સિહોર ડી સ્ટાફની એક સાગમટે જિલ્લા બહાર બદલી, ખળભળાટ

પાંચ છ દિવસ પહેલા એલ.સી.બી એ સિહોર હાઇવે ઉપર ઝડપેલ વિદેશી દારૂના મામલે જિલ્લા વડાનું કડક પગલું, સિહોર ડી સ્ટાફના સાત પોલોસ કર્મીની અમરેલી અને બોટાદ જિલ્લામાં બદલી, પોલીસ બેડામાં ખળભળાટ


શંખનાદ કાર્યાલય
સિહોર હાઇવે પરના એલસીબી રેડ દારૂ પ્રકરણમાં સિહોર પોલીસ ડી સ્ટાફના સાત પોલીસ કર્મીઓની અમરેલી અને બોટાદ જિલ્લામાં બદલી કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે સામાન્ય રીતે દારૂ પ્રકરણમાં નાના પોલીસ અધિકારીઓ જ દંડાય છે. કયારેય કોઈ આઈપીએસ અધિકારી સામે પગલાં ભરવામાં આવ્યા હોય તેવુ કદાચ આજ સુધી બન્યુ નથી ખેર આજે સમી સાંજે ભાવનગર જિલ્લા પોલીસ વડાએ લીધેલ કડક નિર્ણય ને લઈને જિલ્લા ભરની પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે. સિહોર પોલીસ વિભાગના ડી સ્ટાફના ૭ પોલીસ કર્મીઓની એક સામટી જિલ્લા બહાર બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં આજથી પાંચ છ દિવસ પૂર્વે ભાવનગર એલ.સી.બી વિભાવના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગ માં હતા.

તે દરમિયાન બાતમી રાહે સિહોર ના રાજકોટ ભાવનગર હાઇવે ઉપર કૃષ્ણ પાર્ક સોસાયટી નજીક ઈંગ્લીશ દારૂ બિયરનો જથ્થો સાથે કુલ મુદામાલ સાથે આશરે ૧૫ લાખ સાથે ગાડીના ડ્રાઇવર અને ક્લીનર ને ઝડપી લીધા હતા. જેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા આજે સમગ્ર મામલે કડક પગલું ભર્યું હતું. જેમાં સિહોર ડી સ્ટાફના રાજેન્દ્રસિંહ નટુભા, અનિરુદ્ધસિંહ જસવંતસિંહ, કુલદીપસિંહ જુવાનસિંહ, અશોકસિંહ શક્તિસિંહ ની અમરેલી ખાતે જ્યારે રામદેવસિંહ દેવુભા, શક્તિસિંહ હરુભા અને પ્રવીણભાઈ ગોવિંદભાઈ ની બોટાદ ખાતે તાકીદે બદલી કરવામાં આવી હતી. એક સાથે ડી સ્ટાફના સાત પોલીસ કર્મીઓની બદલી ને લઈને જિલ્લાભરમાં ભારે ચકચાર મચી છે છેલ્લા ઘણા દિવસોમાં સિહોર ડી સ્ટાફના પોલીસ કર્મીઓની કામગીરી જબરદસ્ત રહી છે થોડા દિવસ પહેલા ગેરકાયદેસર હથિયારમાં મોટી સફળતાઓ મળી સિહોર પોલીસના ડી સ્ટાફની કામગીરી પણ નોંધનીય રહી છે તે ભૂલવા જેવું પણ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here