આ વખતે છેલ્લા ત્રણ વર્ષથી સતત થતા ૨૯ રોઝાની પરંપરા તૂટશે અને ૩૦ રોઝા પૂરા થશેઃ રમઝાન માસમાં કાળઝાળ ગરમી યથાવત

દેવરાજ બુધેલીયા
ગઇકાલે સાંજે શુક્રવારે આકાશમાં સ્વચ્છ ચંદ્રદર્શન થઇ જતા ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન મહિનાનો પ્રારંભ થવા સાથે આજે પ્રથમ રોઝુ પણ થઇ ચૂકયો છે. આ વખતે ૩૦ રોઝા પૂરા થશે રમઝાન માસના પ્રારંભ મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકો બંદગીમય બની ગયા છે અને આધ્યાત્મિકતામાં ગરકાવ થઇ ગયા છે ત્યારે બીજી તરફ હાલમાં ”કોરોના” નામની મહામારી ફેલાઇ જવા પામી છે અને આખા વિશ્વમાં ”લોકડાઉન” ચાલી રહેલ છે અને ભારત દેશમાં પણ આગામી ત્રીજી મે સુધી લોકડાઉન છે ત્યારે પ્રારંભના ૯ રોઝા પણ લોકડાઉન વચ્ચે પસાર થનાર છે.

જેથી ”રોઝાદાર”ને સંપૂર્ણ આરામ મળી ગયો છે. આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહીં રાત્રે પણ વધારાની ‘સળંગ’ તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લીમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે.

રમઝાન માસ વધુ એક વાર ઉનાળામાં આવી ચુકયો છે અને એ સમય જોતા  કેટલાક રોઝામાં રોઝા રાખનારા ‘રોઝેદારો’ને આકરો તાપ સહન કરવો પડે તેવા સંજોગો છે. આધ્યાત્મીક ઉત્સવ સમા તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લીમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. આ રમઝાન માસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત ‘સહેરી’ અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ‘ઇફતારી’ યોજાશે.

જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા પણ ઇફતારીમાં શામેલ કરાશે. રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆન શરીફની વર્ષગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પુણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન વધી જશે. આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચે પણ મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here