સિહોરના સણોસરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ૧૪ ગામના ૩૦૦૦ લોકોને કોરોન્ટાઇન કરાયા, કામગીરીની જિલ્લા શેત્રે નોંધ લેવાઈ

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી સામે લડવા આરોગ્ય તંત્ર રાત દિવસ સતત કાર્યરત રહ્યું છે સિહોરના આવા જ સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ કોરોનાને પરાસ્ત કરવા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૪ ગામોના અંદાજે ૩૦૦૦ જેટલા વ્યક્તિઓની કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.તો સાથે સાથે આ અગાઉના મહિનાઓમાં આ ગામોની ૪૫૦૦ જેટલી વ્યક્તિઓની આરોગ્ય તપાસણી પણ પૂર્ણ કરવામાં આવેલ છે. કોરોના બિમારી સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સઘન તકેદારી રાખવામાં આવી છે.

આ અંગે તબીબી અધિકારી ડો.આશિયાનાબેન હુનાણી તથા આયુષ તબીબી અધિકારી ડો.હેતલબેન માવાણી દ્વારા જણાવાયા મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંકલન સાથે કોરોના બિમારી સંદર્ભે આ કેન્દ્ર દ્વારા કેન્દ્ર હેઠળ આવતા ૧૪ ગામોમાં વિશેષ આરોગ્ય તપાસ કરાઈ છે.અને આ વિસ્તારમાં કોરોનાને અટકાવવા ખાસ કાળજી લેવાઈ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા સણોસરા, ગઢુલા, પાંચતલાવડા, વાવડી, કૃષ્ણપરા, ઈશ્વરિયા, ભૂતિયા, પીપરડી, સરકડિયા, ઝરિયા, પાડાપાણ, સરવેડી, સાંઢીડા અને ઢાંકણકુંડા ગામોમાં સુરત, અમદાવાદ કે અન્ય જિલ્લામાંથી આવનાર પરિવારોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા, જેની સંખ્યા ૩૦૦૦ જેટલી થાય છે.

આ સંખ્યા સિહોર તાલુકામાં સૌથી વધુ છે. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચેના પેટા આરોગ્ય કેન્દ્રના સંકલનથી અગાઉ માર્ચ મહિના દરમિયાન કોરોના બિમારી સંદર્ભે ૪૫૦૦ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરી લેવાઈ હતી. આ તબીબી કામગીરીમાં ડો.મહેશભાઈ પડાયા સાથે નિરીક્ષકો શ્રી રામદેવસિંહ ચુડાસમા તથા શ્રી મીનાબેન પાઠક સાથે શ્રી કલ્પેશભાઈ ડાંગર તથા શ્રી મિતાલીબેન પંડ્યાએ સતત ફરજ બજાવી હતી. હજુ પણ આ કાર્યક્ષેત્રના ગામોમાં અન્ય જિલ્લા વિસ્તારમાંથી આવતી વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જે યાદી કાર્યવાહીમાં શ્રી કિશોરભાઈ પરમાર હાલ ચોકસાઈ પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here