શિવભકતો ભોળાનાથને અભિષેક નહી કરી શકે, કોરોના ઈફેકટના લીધે શ્રાવણ માસની ઉજવણીનો રંગ અગાઉના વર્ષોની જેમ જામશે નહી

બ્રિજેશ ગૌસ્વામી

આગામી મંગળવારથી દેવાધિદેવ મહાદેવની ભકિત અને ઉપાસનાના અનેરા મહોત્સવ સમાન પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થશે, શિવભકિતનો દિવ્ય શંખનાદ ફુંકાશે અને તેની સાથે જ સિહોર અને પંથકના શિવાલયોમાં બમ બમ ભોલેનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે શ્રાવણ માસની ઉજવણી ગત વર્ષો જેવી નહિ હોય. મોટા ભાગના શિવાલયોમાં શિવભકતો દુગ્ધાભિષેક કરી શકશે નહિ એટલુ જ નહિ આ વર્ષે શિવ ધર્મસ્થાનકોમાં ભાવિકોનો દરીયો ઘુઘવશે નહિ.

સિહોર શહેર અને તાલુકાભરમાં આવેલા શિવાલયોમાં તા.૨૧ થી પરંપરાગત રીતે પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવાલયોમાં ચાર પ્રહરની મહાઆરતી, મહાપૂજા, અર્ચન,જળાભિષેક, દુગ્ધાભિષેક,રૃદ્રાભિષેક, શિવધૂન, ભજન-કિર્તન,સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં માનવ મહેરામણ હિલોળે ચઢે છે. જો કે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે શ્રાવણ માસની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.શિવાલયોમાં જલાભિષેક અને દુગ્ધાભિષેક માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના હોય.

તેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા હોય શિવાલયોના ગર્ભગૃહમાં તમામ ભકતોને પ્રવેશ નહી આપવા અથવા ફકત મર્યાદિત ભકતોને જ પ્રવેશ આપવા ઉપરાંત ચારેય શ્રાવણીયા સોમવારે શિવાલયોમાં યોજાતા બરફના શિવલીંગ અમરનાથના દર્શન તેમજ નામાંકિત કલાકારોની સંતવાણી અંગે તેમજ છોટે કાશી સમાન સિહોરના નવનાથ મહાદેવ તેમજ ગોહિલવાડના દરિયાકિનારે આવેલા નામાંકિત શિવાલયોના સાનિધ્યમાં યોજાતા ભાતીગળ લોકમેળા,સહિતના અન્ય ખાસ કાર્યક્રમો સહિતના પ્રશ્ને મોટા ભાગના શિવમંદિરોમાં વિચારણા થઈ રહી છે.

બોક્સ..

લોકજીવનના ધબકારા ઝીલે છે શ્રાવણીયા લોકમેળા

પવિત્ર શ્રાવણ માસના આરભંની સાથે જ લોકજીવનના ધબકારા ઝીલતા અને ઉમંગ ઉમેરતા ભાતીગળ લોકમેળાની રંગલી સીઝન જામશે.આ માસમાં શિવ અને કૃષ્ણની ભકિતના રંગે ભાવિકો  રંગાતા હોય છે. અધ્યાત્મની સાથે મોજના સંગમ સમાન આ શ્રાવણીયા લોકમેળાના ઈતિહાસ પણ સીમાડા પાર સુવિખ્યાત છે. લોકમેળા સાથે કોઈને કોઈ ધાર્મિકતાસભર ઈતિહાસ પણ સંકળાયેલ હોય આસ્થાસભર મેળો માણવા ફકત સ્થાનિક જ નહિ બલકે વિદેશીઓ પણ  ઉમટતા હોય છે. જો કે,  કોરોનાના લીધે આ વર્ષે ભાતીગળ લોકમેળા જોવા મળશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here