સુરતની યુવતીની ઘટનાએ સમાજમાં દીકરીઓની સ્વરક્ષા ઉપર મોટો પ્રશ્ન ઉભો કરી દીધો છે

2ધ પોઇન્ટ : દર્શન જોશી
આજકાલ હત્યાના,લૂંટના અને બળાત્કારની ઘટનાઓ છાશવારે સામે આવે છે. જેમાં ક્યારેક એવી ઘટના બની જાય છે કે જેને જોઈને ક્ષણભર માટે હચમચી જવાય અને લોકો પોતાનો આક્રોશ કે ડાહી વાતોને સોશિયલ મીડિયાના મારફતે મુકવા લાગે અને આ બધું પણ કેટલી ઘડી થોડા દિવસોમાં બધું વિસરાઈ જાય અને જેમ હતા તેમ થઈ જાય.થોડા દિવસ પહેલા સુરતમાં યુવતીને જાહેરમાં લોકોની નજર સમક્ષ યુવક છરી મારીને યુવતીને રહેંસી નાખે છે લોકો માત્ર વિડીયો બનાવવા અને હોહા કરવા જ રહે છે કોઈ હિંમત કરી આગળ આવતું નથી. ત્યારે આજ સમયે દેશની યુવતીનઓને સ્વરક્ષા માટેના પાઠ શીખવવા જરૂરી બની ગયા છે.

જો યુવતીને સ્વબચાવ ના પાઠો શીખવેલા હોત તો કદાચ યુવતીએ પોતાની રક્ષા કરી જીવ બચાવી લીધો હોત.તો બીજી તરફ ભાવનગર જિલ્લાની જ ટૂંકા સમયગાળા ની બે એવી ઘટનાઓ પણ સામે આવી કે જેને લઈને વિચાર કરવો બની જ પડે છે કે એવી તે કેવી સ્થિતિ આવી પડી હશે કે એક દિકરી માટે વ્હાલનો દરિયો કહેવાતો પિતા આગનો દાવાનળ બની પોતાની જ દિકરી ને ખચકાટ વગર ભરખી જાય. દિકરી એ પિતા માટે પોતાનું સર્વસ્વ હોય છે અને એજ વ્હાલી દિકરીને એક પિતા મોતને ઘાટ ઉતારી દે ત્યારે સમાજમાં જાગૃતિ સોશિયલ મિડિયામાંથી જીવનમાં લાવવી જરૂરી બની ગઈ છે. ઘરડા ગાડા વાળે એ કહેવત કદાચ આજે અહીં બંધ બેસે.

ઘરમાં વડીલો બા દાદા હોય તો એ નાના બાળકોને ગળથુથીમાંથી જ સંસ્કારો પાઈને સિંચન કરે. ત્યારે આજે ખાસ ટકોર માતાપિતા ને છે કે મોબાઈલ ફોન હાથમાં આપવાના બદલે સ્વરક્ષા માટેના પાઠો તેમને હાથમાં આપો. કોઈ પણ સમયે કોઈ પણ અણધારી આફત માંથી બહાર કેમ આવવું તે શીખવો તેની કેળવણી આપો.કરાટે,તલવાબાજી,લાઠીદાવ જેવા સ્વબચાવ માટેના દાવો પોતાની દીકરીઓને શીખવાનું શરૂ કરી દો. ક્યાં સુધી પરી બનીને સાચવી રાખશો હવે પરી નહિ રાણી લક્ષમીબાઈ બનાવવાનો સમય આવી ગયો છે.જીવનમાં અભ્યાસ સાથે હવે સ્વબચાવ માટેના દાવો શીખવા જરૂરી બની ગયા છે.

જો તમારી દિકરી સ્વબચાવ જાણતી હશે તો કોઈ પણ નજર ઉંચી કરતા પણ સો વખત વિચારશે. ખાસ માતાપિતા સાથે સરકાર દ્વારા પણ યુવતીઓના સ્વબચાવ માટે અભયમ જેવી સેવાઓની સાથે શાળા અને કોલેજોમાં સ્વબચાવના અભ્યાસો ઉમેરી દેવા જરૂરી બની ગયા છે. દરેક જ્ગ્યાએ કદાચ પોલીસ કે તંત્ર સમય ઉપર પહોંચી ન શકે તેવું બને પરંતુ જો દિકરી તમારી પોતાનો બચાવ કરતા શીખી હશે તો તે કોઈ ઘટનાનો ભોગ નહિ બને અને અન્ય દિકરીઓને પણ મદદરૂપ બનશે. આજે તક છે તો ઉતારી અમલમાં મૂકી દો કદાચ કાલે આંસુ સારવાનો વારો ન આવે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here