કોરોનાનો ડર તો છે પણ હીરાના યુનિટો બંધ થતા રોજગારી વગર ગુજરાત કઇ રીતે ચલાવવું ? તે ચિંતામાં વતનની વાટ પકડી, સિહોર પંથકના અનેક લોકો પરત ફર્યા

દેવરાજ બુધેલીયા
અનલોક બાદ સિહોર અને જિલ્લામાંથી સુરત ગયેલા લોકોની ફરી હિજરત શરૂ થઈ અને વતનની વાટ પકડી લીધી છે કોરોના સંક્રમણના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોવાને કારણે અને વેપાર-ધંધા બંધ થવા માંડતા ફરી હિજરત પોતાના વતન તરફ શરૂ કરી દીધી છે. આ વખતે કારીગર વર્ગ રસોડાનો સામાન સાથે મકાન ખાલી કરીને વતન નીકળી રહ્યા છે. છેલ્લાં બે દિવસથી સિહોર પંથકમાં ધાડેધાડા આવી રહ્યા છે બે-ત્રણ મહિના પૂર્વે વતન તરફ હિજરત જે રીતે સૌરાષ્ટ્રમાંથી કારીગરો કરી હતી, તેવી જ હિજરત આ વખતે ફરી શરૂ થઇ છે.

પણ, આ વખતની જે હિજરત છે તે ફરી પાછાં સુરત તરફ પરત નહીં ફરવાની ઇરાદા સાથેની વધુ હોય એવું દેખાઈ રહ્યું છે. કેમકે આ વખતે કારીગર વર્ગ પોતાની રૃમનો સઘળો સામાન ઉઠાવીને નાના-મોટા ટેમ્પોમાં સહપરિવાર સાથે વતન નીકળી રહ્યાં છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ બહુધા હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં અલગ-અલગ મજૂરીનું કામ કરી રહ્યાં છે. મોટાભાગના સુરતમાં સિહોર ભાવનગર અને  અમરેલી જિલ્લાવાસીઓ વધુ છે. આ વખતે તેઓની વતન તરફ હિજરત પાછળનું કારણ કોરોના મહામારીનો ડર તો છે જ છે. પરંતુ રોજગારી સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હોવાથી તેઓ સુરતમાં રહેવા માંગતા નથી. રોજેરોજ સવાસોથી દોઢસો પરિવારો સરસામાન સાથે સુરત છોડી રહ્યાં છે

શહેરના કાપોદ્રા જકાતનાકા અને યોગીચોક વિસ્તારમાંથી રોજેરોજ સંખ્યાબંધ વાહનોમાં સૌરાષ્ટ્રવાસીઓ પોતાના સામાન સાથે વતન નીકળી રહ્યાં છે. સ્વરાજ મઝદા, છોટા હાથી કે પછી લક્ઝરી બસોમાં રસોડાનો સામાન ચડાવવામાં આવી રહ્યો છે રોજેરોજ સવાસોથી દોઢસો પરિવારો આ રીતે સુરતને હવે કાયમ માટે અલવિદા કરી રહ્યાં છે. કોરોના સંક્રમણના કેસો ધીમે ધીમે વધી રહ્યાં હોવાથી ડાયમંડ ઉધોગને ફરી એકવાર કામચલાઉ બંધ કરવામાં આવ્યું છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ હવે એ જ પરિસ્થિતિ ઉભી થઈ રહી હોવાથી કારીગર વર્ગમાં ખૂબ જ ડર છે. ધંધા-રોજગાર બંધ થવાને કારણે કેટલા દિવસ આવક વગર રહી શકાય, એટલે આ હિજરત શરૃ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here