સમી સાંજે સિહોર શહેરમાં તીડનો તરખાટ, તીડનું એક મોટું ટોળું આકાશમાં ફરી વળ્યું, લોકોને ડરવાની જરૂર નથી

તીડના આક્રમણ સામે લોકો અગાસીઓમાં થાળી વગાડી બુમો પાડી તીડને ઉડાડી રહ્યા છે, એક મોટું ઝુંડ શહેર ફરતે આવી ચડ્યું,

દેવરાજ બુધેલીયા-બ્રિજેશ ગૌસ્વામી
કોરોના આફત વચ્ચે હવે આભની આફતે લોકોને ભયમાં મૂકી દીધા છે છેલ્લા બે દિવસથી આભની આફતે ખેડૂતો સાથે તંત્રને મુશ્કેલીમાં મૂકી દીધું છે બે દિવસ પહેલા પ્રવેશેલા તીડના ઝુંડ હવે શહેરી વિસ્તારોમાં આવી ચડ્યા છે આજે સમી સાંજે સિહોર શહેરના કેટલાક વિસ્તારોમાં તીડના ઝુંડ મોટી સંખ્યામાં આકાશમાં આવી ચડતા લોકોમાં ભય ફેલાયો હતો કોરોના વચ્ચે ગુજરાત અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવીને ઊભું રહ્યું છે. રણ વિસ્તારમાંથી આવતા તીડના ઝુંડે ભારે આક્રમણ કરી દીધું છે.

છેલ્લા બે ચાર દિવસથી ગુજરાત માથે આભમાંથી તીડ રૂપે આફત ઉતરી આવી છે. હજુ કોરોનાએ કળ ઉતારી નથી ત્યાં વધુ એક મુસીબત રાજ્ય ઉપર આવી ચડી છે. ભાવનગર જિલ્લામાં પણ તીડએ ત્રણ દિવસથી પડાવ નાખ્યા છે. તીડને ભગાડવા માટે તંત્ર દોડતું થઈ ગયું છે. આજે સમી સાંજના સમયગાળે સિહોર શહેરમાં અચાનક જ તીડનું મોટું ઝુંડ ઘસી આવ્યું હતું. સિહોરના ખારાકુવા ચોક, જુના સિહોર, મકાતનોઢાળ, જુમ્મા મસ્જિદ વિસ્તાર, સિંધી કોલોની પાછળ, પીપલીયાની નળ મેમણ કૉલોની, ભગવતી નગર સહિતના વિસ્તારોમાં તીડના ઝુંડો ફરી વળ્યાં હતા.

તીડને ભગાડવા માટે થઈને લોકો થાળી લઈને બહાર નીકળી પડ્યા હતા અને થાળીઓ વગાડીને તીડને ભગાડી રહ્યાં હતાં. કુદરત સામે માણસ હંમેશા લાચાર જ બને છે. એ પછી કોરોના નામની મહામારી હોય કે પછી તીડનું ઝુંડના તરખાટ. સૌથી મોટું નુકસાન ખેડૂતોને થવાનો ભય છે. એક બાજુ કોરોનાથી મોટું નુકસાન થયું છે ત્યારે એક વધુ મુસીબત જગતના તાત માથે આભ પરથી ઉતરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here