કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસ વચ્ચે, બજારોમાં તલસાંકળી, ચીક્કી અને લાડુ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ

હરિશ પવાર
સિહોર : કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે સિહોર શહેર અને તાલુકામાં ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. બજારમાં પતંગ-દોરીની સાથે સાથે પર્વને અનુરૂપ ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીનું પણ આગમન થઈ ગયું છે. હાલ બજારમાં વિવિધ પ્રકારની ચીક્કી, તલસાંકડી, મમરાના લાડુ, તલના લાડુ જેવી ચીજવસ્તુઓ વેચાણ અર્થે આવી ગઈ છે.

સતત બીજા વર્ષે પણ કોઈ જ ભાવવધારો ન હોવાથી પતંગ રસિયાઓ પતંગની સાથે સાથે વિવિધ ચીક્કી સહિતની ચીજવસ્તુઓની જ્યાફત માણશે. હિન્દુ સંસ્કૃતિમાં પર્વને અનુરૂપ ખાણી-પીણીની વસ્તુઓ આરોગવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. જેને લઈ પર્વ ટાંણે આવી ચીજવસ્તુઓની માગ વધુ રહેતી હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ નજીક હોઈ વિવિધ ફરસાણના વેપારીઓ દ્વારા ચીક્કી, તલસાંકડી સહિત મમરાના લાડુ અને ગજક જેવી ચીજવસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

ઝડપી યુગમાં હવે ગૃહિણીઓ પણ ઘરે આવી વસ્તુઓ તૈયાર કરવાની પળોજણમાં પડયા વિના બજારમાં મળતી તૈયાર ચીજવસ્તુઓ લેવાનો અગ્રહ રાખતી થઈ છે. ઉત્તરાયણ પર્વને લઈ હાલ સિહોરની બજારોમાં ગોળ તથા તલમાંથી તૈયાર થતી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. પર્વ નજીક આવતા જ ખરીદી નીકળવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે. હાલ બજારમાં સીંગની ચીક્કી, તલસાંંકડી, તલના લાડુ, મમરાના લાડુ, ડ્રાયફુટ ચીક્કી, કોકોનટ ચીક્કી તેમજ હની ચીક્કી જેવી વેરાયટીઓ જોવા મળી રહી છે.

વર્ષો પહેલાં ઉત્તરાયણ પર્વ ટાંણે મહિલાઓ એકબીજાને ઘરે એકત્ર પર્વને અનુરૂપ ચીજવસ્તુઓ બનાવતી હતી. જો કે હાલ મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની નોકરી તેમજ ધંધામાં જોતરાતા સમયના અભાવને લઈ મોટાભાગે બજારમાં મળતી તૈયાર ચીજવસ્તુઓ ખરીદતી થઈ છે. જો કે હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો સહિત કેટલીક સોસાયટી અને ફલેટોમાં આ પરંપરા જીવંત જોવા મળે છે. કેટલીક મહિલાઓ આજે પણ ઘરે જાતે જ ચીક્કી તેમજ મમરાના લાડુ તૈયાર કરી પોતાના પરિવાર સાથે ઉજવણી કરતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here