મોંઘાદાટ બિયારણોનું વાવેતર કર્યા બાદ વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા

ગૌતમ જાદવ
ચાલુ સાલે વરસાદે પ્રારંભથી જ હાથતાળી દેતાં અને હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રથયાત્રા સુધી વરસાદની કોઈ શક્યતા નહીં હોવાને કારણે સિહોર સહીત તાલુકાઓના ગામોના ખેડૂત પરિવારો ભારે ચિંતામાં હોય તેમ ભાસી રહ્યું છે મોંઘાદાટ બિયારણો ભોંયમાં ભંડારીને વરસાદની ચાતક આંખે રાહ જોતા ખેડૂતની આંખો વ્યથાથી છલકાતી જણાઈ રહી છે. ચાલુ સાલે વરસાદ વહેલો થશે અને ૨૦ જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રીય થઈ જાય તેવી આશા પણ ઠગારી નિવડી છે. જુલાઈ મહીનાનો આરંભ થઈ ચુક્યો છે.

અત્યારે વરસાદી માહોલ હોય તેના બદલે વૈશાખી વાયરા જેવો તાપ જનજીવનને તથા તમામ જીવસૃષ્ટિને હચમચાવી રહ્યો છે વરસાદ વહેલો આવી જશે તેવી આશાઓ વચ્ચ તાલુકાના ગામોના ખેડૂત પરિવારોએ રાત-દિવસ એક કરીને વાવેતર કરી દીધુ છે. ભારે કાળઝાળ મોંઘવારીમાં માંડ માંડ જીવન નિર્વાહ કરતો ખેડૂત પરિવારોએ વરસાદની આશાઓને પગલે વરસાદ આવશે જ એમ માનીને હજારો હેક્ટર જમીનમાં મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓ પણ ભંડારેલા છે.

વાવેતર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતાં અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલમાં ‘કહી.. ધુપ.. કહી છાંવ. જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ ખેંચાતા બફારા યુક્ત ગરમી વધી છે. જેની અસર જીવસૃષ્ટી ઉપર સ્પષ્ટ ભાસી રહી છે. વરસાદ આવશે જ એમ માનીને ખેડૂતોએ ખેતરોમાં મગફળી અને કપાસનું વાવેતર કરેલ છે. જે વરસાદના અભાવે સુકાઈ રહ્યું છે. ક્યાંક બોર- કુવાના પાણીથી સિંચાઈ કરવાની ફરજ પડી રહી છે. સરવાળે હવે ખેડૂત પરિવારોને મન ચિંતાનાં માહોલ એ પેદા થયા છે.

ભોંયમાં ભંડારેલા મોંઘા બિયારણો, ખાતર અને દવાઓ તથા રાત દિવસ તેના માટે કરેલી મહેનત એળે તો નહીં જાય ને ? કુદરતી-અકુદરતી આફતના પોટલાના માર સહન કરી રહ્યા છે.આ ભૂમિપુત્રો હવે મેહલિયાના આગળની રાહ ચાતક આંખે જોઈ રહ્યો છે. જો વરસાદ દસેક દિવસ ખેંચાશે તો મુરઝાતી મોલાતોનો સંપૂર્ણ નાશ થઈ જશે. તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here