ગુજરાતી થાળી વધુ મોંઘી બની, રોજ શેનું શાક બનાવવુ તેની મુંઝવણ સાથે મધ્યમવર્ગીય ગૃહિણીઓ પરેશાન 

દેવરાજ બુધેલિયા
સિહોર શહેર અને જિલ્લાભરમાં છેલ્લા સપ્તાહથી સતત અને અવિરતપણે રાજાધિરાજ મેઘરાજાની અપાર અમીદ્રષ્ટિના કારણે સૌથી પ્રથમ તેની ખેતીવાડીક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં અસર થઈ રહી છે. અતિવૃષ્ટિના માહોલમાં શહેરની મુખ્ય અને પરા વિસ્તારોની શાકમાર્કેટમાં ગામડાઓમાંથી શાકભાજીની નીયમીત આવકમાં અસર થતા અને રોજીંદો પુરવઠો ઘટતા શાકભાજીના ભાવ રોકેટ ગતિએ સડસડાટ રીતે આસમાને આંબી જતા ગરીબ અને મધ્યમવર્ગીય ગૃહિણીઓમાં દેકારો મચ્યો છે.

કમ્મરતોડ મોંઘવારીના અજગર ભરડામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પીસાઈ રહ્યા છે. દૂધ, વીજળી, રાંધણ ગેસ અને પેટ્રોલિયમ પેદાશો સહિત જીવન જરૃરીયાતની અત્યંત આવશ્યક તમામ ચીજવસ્તુઓના ભાવ કુદકે અને ભૂસકે ઉંચે ને ઉંચે જઈ રહ્યા છે. જેના કારણે આમ જનતાને પરિવારજનોનું ગુજરાન ચલાવવુ ભારે દુષ્કર થઈ પડયુ છે. તેવા કઠીન સમયમાં હાલ ચોમાસુ ખરા અર્થમાં જામતા શાકની ડીલીવરીમાં રૃકાવટ જણાઈ રહી છે. કેટલાક શાકભાજી એકાંતરે આવવા લાગ્યા છે.

જયારે અમુક બકાલુ ડિમાન્ડ મુજબ ન આવતા શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવ પણ વધવા લાગતા ગૃહિણીઓના કીચન બજેટ અસ્તવ્યસ્ત થવા લાગ્યા છે. શાક બકાલાના ભાવમાં ઉછાળો આવતા ચિંતામગ્ન બનેલી ગૃહિણીઓમાં રોજીંદો કકળાટ વધી રહ્યો છે. શાકભાજીના રાજા ગણાતા બટેટા સહિત એકાદ બે શાકને બાદ કરતા મોટા ભાગના શાકબકાલાના ભાવ વધતા જતા હોય ગૃહિણીઓમાં રોજ શેનું શાક બનાવવુ તેની સૌથી મોટી વિમાસણ રહે છે. ટીંડોરા, તુરીયા, ચોળી, રીંગણા, ગુવાર, સરગવો, ટમેટા, દૂધી,કોબીઝ, ફલાવર, ભીંડો સહિતના શાકબકાલાના ભાવમાં વધારો જણાય છે.

જેથી શહેરની અને હાઈવે પરની હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતી ગુજરાતી થાળીના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. એટલુ જ નહિ ઘરઘરાઉ કેટરીંગ અને ટીફીનસેવા પણ મોંઘી થઈ ગઈ છે. આ અગાઉ કોરોનાકાળમાં પણ શાકભાજીના ભાવ વધ્યા હતા.શહેરની મુખ્ય શાકમાર્કેટના બિલ્ડિંગમાં તેમજ આસપાસના વિસ્તારોમાં શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ શાક ખરીદવાનું અથવા જરૃરીયાત કરતા ઓછુ ખરીદીને સંતોષ માની રહ્યા છે.જયારે ઘણી ગૃહિણીઓ કઠોળ તરફ પણ વળી રહી છે. શહેરના પરા વિસ્તારોમાં વિક્રેતાઓ દ્વારા મનસ્વી રીતે શાકભાજીના ઉંચા ભાવ વસૂલાઈ રહ્યા હોય અધુરામાં પુરુ ઉંચા દામ લઈને શાકની કવોન્ટીટી પણ ઓછી આપવામાં આવતી હોવાની હોય ગૃહિણીઓમાં કચવાટ વ્યાપી જવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here