એકબાજુ લગ્નસરા અને બીજી બાજુ શિયાળો કારીગરો ફ્રી નહિ રહે, શકિતવર્ધક શિયાળુ પાક મોંઘો બન્યો હોવા છતા તેની માંગમાં ઘટાડો થયો નથી


બ્રિજેશ ગૌસ્વામી
કમ્મરતોડ મોંઘવારી, રો મટીરીયલ્સના ભાવમાં તેમજ મજુરીના દરમાં ઝીંકાયેલા વધારાના કારણે ચાલુ વર્ષે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુના વિવિધ આરોગ્યપ્રદ શિયાળુપાકના ભાવમાં કિલોએ રૂા ૧૦ થી ૧૫ નો વધારો નોંધાયો છે તેમ છતા તેની ડિમાન્ડ યથાવત રહી છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્યપ્રદ શિયાળાની ઋતુના પ્રારંભથી જ સિહોરના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો અને તેમના ગોડાઉનો સોડમથી સભર અડદિયો, સુંઠપાક, બદામપાક, મેથીપાક અને સાલમપાકથી ઉભરાઈ રહી છે.

વર્ષ દરમિયાન માગશર, પોષ અને મહા એમ ત્રણ માસની આ શિયાળુ પાકની ધમધમતી સીઝનમાં અંદાજે લાખો રૂપીયાનું ટર્નઓવર થાય છે. શહેરમાં તૈયાર શિયાળુ પાક ખાનાર વર્ગ  મોટો છે. જયારે કેટલાક સુખી અને સાધનસંપન્ન પરિવારો સ્વયં જાત દેખરેખ હેઠળ પણ પરિવારજનો માટે સ્વયં શિયાળુ પાક બનાવે છે. છેલ્લા સપ્તાહથી ઠંડીએ તેનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કરતા શિયાળુ પાક અને શિયાળુ અમૃતફળની ખરીદી વધી રહી છે. મજુરીથી શિયાળુ પાક બનાવતા અનેક કેટરર્સ અને તેમના કારીગરોને એક બાજુ લગ્નસરાની સીઝન અને હવે ઠંડીની સિઝન જામતા નવરાશ મળશે નહિ.

તેઓએ સામુહિક ઓર્ડરની મળી રહેલી નોંધણી મુજબ શીયાળુ પાકનું ઉત્પાદનકાર્ય શરૂ પણ કરી દીધુ છે. હેલ્થને ફિટ રાખવા માટે અત્યંત આવશ્યક ગણાતા શિયાળુ પાકના ભાવમાં વધારો કરાયો હોવા છતા તેની માંગમાં ઘટાડો થયો નથી જેમ જેમ ઠંડીનો ચમકારો વધતો જશે તેમ તેમ તેની ઘરાકી વધતી જશે તેમ બજારના સૂત્રોમાંથી જાણવા મળેલ છે શહેરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપરાંત હવે તો તમામ જ્ઞાાતિ,સમાજ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ શિયાળુ પાક જથ્થાબંધ બનાવડાવી નહિ નફો અને નહિ નુકશાનના ધોરણે વેચાણ કરાય છે.

પીપરીમુળ, સુંઠ,તજ,લવીંગ અને શુધ્ધ ઘી સહિતની અનેક ઔષધીઓથી ભરપુર શિયાળુ પાક કયારેય પડતર રહેતો નથી માલની ડિમાન્ડ અચૂક આવે જ છે. માલ સામાનમાં ગુણવત્તાના બેઝ ઉપર કિંમત નિયત થતી હોય છે. લોકો હવે હેલ્થ પ્રત્યે કોન્શયસ થઈ રહ્યા હોય ઉંચી ગુણવત્તાવાળો શિયાળુ પાક વધુ પસંદ કરે છે. દેશી ઔષધીઓથી સભર શિયાળુ પાક ખાવાથી વર્ષ દરમિયાન શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. તેથી જ શિયાળુ પાક બનાવનાર નામાંકિત કારીગરો પાસે બુકીંગ એડવાન્સમાં ફુલ થવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here