દાખલ થનાર દર્દીને વિનામૂલ્યે ઉપચાર તથા સેવા- સુશ્રુષા ઉપરાંત એમ્બ્યુલન્સની પણ સગવડ ઉભી કરવાં સાથે કુંભણ કોરોના મુક્ત ગામ બનવાં અગ્રેસર, નાનુભાઈ વાઘાણીના પ્રયાસોથી અહીં સુવિધાઓ થઈ શરૂ


સલીમ બરફવાળા
સિહોરના સોનગઢ નજીક આવેલ પાલિતાણા તાલુકાના કુંભણ ગામે ભાવનગરના સહકારી આગેવાન અને માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી દ્વારા કોરોના દર્દીઓ માટે સારવાર- સુવિધા શરૂ કરવામાં આવી છે. લગભગ સાડા ચાર હજારની વસતિ ધરાવતાં કુંભણ ગામમાં કોરોનાના દર્દીઓને દવાખાને જવાનો માનસિક ભય રહેતો હોવાનું ધ્યાનમાં આવતાં પખવાડિયામાં કોરોનાના ૨૫ દર્દીઓને ગામમાં જ સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કુંભણ ગામે શ્રી વાઘાણી વિદ્યાલયના આચાર્ય અને સેવા કેન્દ્રના સંચાલકશ્રી પ્રતાપભાઇ ચૌહાણના જણાવ્યાં પ્રમાણે આ આઇસોલેશન કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોરોનાનાં દર્દીઓ માટે પથારી સાથે ઉકાળો, નાસ, ચા, નાસ્તો, ભોજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શ્રી વાઘાણી વિદ્યાલય ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્રાણવાયુ અને એમ્બ્યુલન્સ વગેરેની વિનામૂલ્યે ઉપચાર સેવા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી કર્મચારીઓ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે તદ્ઉપરાંત જ્યાં પણ જરૂર પડે ત્યાં જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સત્તામંડળનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

આ સિવાય ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રોગપ્રતિકારક ટીકડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કુંભણમાં પુરૂષો અને મહિલાઓ માટે ૨૫ પથારીઓનું અલગથી આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ કુંભણ ગામ સાથે આજુબાજુના અનિડા, ખાખરિયા, નવાગામ, સરોડ સહિત આ પંથકના આસપાસના ગામના લોકોને પણ લાભ મળશે.

ભાવનગર જિલ્લા સહકારી બેન્કના અધ્યક્ષ અને માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણીના જણાવ્યાં મુજબ આ કોરોનાની બિમારી દરમિયાન દર્દીની આસપાસ રહેલ દર્દીના પરિવારને પણ કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય રહે છે.તેમણે કહ્યું કે, આપણને સૌને ખબર છે કે આ એક ચેપી પ્રકારનો રોગ છે અને તેની આસપાસમાં આવનારને પણ કોરોના તેની ઝપટમાં લે છે, ત્યારે તેનાથી વધુમાં અંતર જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા “મારું ગામ, કોરોના મુક્ત ગામ”ના અભિયાનને સમર્થન આપતાં કુંભણ ગામે શ્રી વાઘાણી વિદ્યાલય ખાતે કોરોનાની સારવાર અને આઇસોલેશન માટેની તાત્કાલિક સગવડ ઉભી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here