પ્રથમ તબક્કામાં સરકારી તથા ખાનગી ક્ષેત્રના કેન્દ્ર દીઠ ૧૦૦ મળી કુલ ૬૦૦ આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે


મિલન કુવાડિયા
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લા માટે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના ૧૮ હજાર ડોઝ પુરા પાડવામા આવેલ છે. જે અન્વયે આવતીકાલ તા.૧૬ના રોજ થી સમગ્ર જિલ્લામાં વિવિધ ૬ આરોગ્ય કેન્દ્રો ખાતેથી કોવિડ રસિકરણનો પ્રારંભ થનાર છે.આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવાજી સર્કલ, આનંદનગર તથા આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર તેમજ ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં બોરડા, તલગાજરડા તથા સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ ૬ આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોવિડ રસિકરણનો પ્રારંભ થનાર છે. આ માટે પ્રથમ દિવસે દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ ૧૦૦ એમ કુલ ૬૦૦ સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મચારીઓને કોવિડ વેક્સિન કોવિશિલ્ડથી રક્ષિત કરવામાં આવનાર છે.તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિનેટર, U.L.C, લાભાર્થીઓની યાદી સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here