ગઇકાલે સરતાનપર ગામે બનેલી ઘટનાથી જિલ્લાભરમાં હાહાકાર, મરણચીસોથી ફફડી ઉઠ્યું આખું ઘર

હરેશ પવાર
તળાજાના સરતાનપર (બંદર) ગામે પત્નીએ જ પતિને ખાટલા સાથે બાંધી દઈ જીવતો સળગાવી માર્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચારી જગાવી છે. પતિની હત્યા કર્યા બાદ પત્ની ઘરે જ બેઠી રહેતા પોલીસે દોડી જઈ હત્યારણ મહિલાની ધરપકડ કરી લીધી હતી. ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર તળાજાના સરતાનપર (બંદર) ગામે ગરાહ વિસ્તારમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉ.વ.૪૫) નામના આધેડ આજે બપોરના સમયે ઘરના ફળિયામાં સૂતા હતા.

તે સમયે તેમની પત્ની મધીબેનના માથે કાળ સવાર હોય, પતિ સૂતો હતો. ત્યારે ત્યાં ધસી આવી સવજીભાઈને ખાટલામાં દોરડા સાથે બાંધી લઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાપી દીધી હતી. જેના કારણે નિદ્રાંધીન પતિ જીવ બચાવવા પ્રયાસ કરે તે પહેલા જ આગમાં ભડથું થઈ શ્વાસ છોડી દીધા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

પરંતુ મહિલાના હાથમાં જ્વલનશીલ પ્રવાહી હોય, લોકો ડરના માર્યા દૂર ભાગી ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને પતિની હત્યા કરનાર મહિલા મધીબેન બારૈયાને તેના ઘરેથી જ પકડી પાડી હતી. જ્યારે મૃતદેહને પી.એમ. માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સૂત્રો પાસેથી વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક સવજીભાઈ બારૈયા બપોરના સમયે દારૂ પીને સૂતા હતા.

ત્યારે પત્નિએ સળગાવી મારી હત્યાનો ખેલ રચ્યો હતો. મૃતક અગાઉ ગામમાં જ ઈલેક્ટ્રોનિક વસ્તુના રિપેરીંગની દુકાન ચલાવતા હતા અને હાલ તેઓ ખેતમજૂરી કરતા હતા. તેમની એક દીકરી છે, જેના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દંપતી વચ્ચે છેલ્લા ઘણાં સમયથી મોટા ઝઘડા ચાલી રહ્યા હતા. જેથી ૧૫ દિવસ પહેલા પણ મહિલાએ તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ચર્ચા સ્થાને છે.

દારૂ પી મારતો હોવાથી ખોફનાક ખેલ ખેલ્યો

પતિને સળગાવી મારવાની ઘટનામાં દારૂનું દૂષણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ મૃતક દારૂના રવાડે ચડયા હોય, જેથી દારૂ પી આવી અવાર-નવાર પત્નિ સાથે મારઝૂડ કરતો હતો. જેના કારણે આજે મહિલાએ તેના પતિને ખાટલે બાંધી જીવતો સળગાવી દઈ હત્યાનો ખોફનાક ખેલ ખેલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here