૨૨મી જૂને રજૂઆત ધ્યાને ન લેવાતા ડિજિટલ આંદોલન, લોકડાઉનમાં રાજ્યસભા ચૂંટણી થઇ શકે તો ભરતી શા માટે નહીં ?

દેવરાજ બુધેલીયા
લોક રક્ષક દળ સહિતની અટકી પડેલી ભરતીઓ અંગે વિદ્યાર્તીઓએ ગઈકાલ સવારથી ટ્વિટર પર રોષ ઠાલવ્યો હતો અને ‘મૈં  ભી ગુજરાત કા બેરોજગાર’ હેશટેગ સમગ્ર દિવસ દરમિયાન ટ્રેન્ડમાં રહ્યું હતું. એલ.આર.ડી.માં મહિલાઆ સમકક્ષ જગ્યા વધારવાની માગ સાથે ૨૨ મી જૂને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. જો કે સચિવાયલના દરવાજા બંધ કરી તેમની રજૂઆત ધ્યાને ન લેવાતા હવે આ વિદ્યાર્થીઓએ ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે કે લોકડાઉનના સમયમાં રાજ્યસભા ચૂંટણી થઇ શકે છે.

તેમ પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પણ થઇ શકે છે તો પછી ભરતીઓ કરવામાં શા માટે આટલી ઢીલી નીતિ રાખવામાં આવે છે. જી.પી.એસ.સી. હેઠળની વિવિધ ભરતીઓ, શિક્ષણ સહાયક, અધ્યાપક સહાયક, વિદ્યાસહાયક, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ, બિન સચિવાલય ક્લાર્ક સહિતની સંખ્યાબંધ ભરતીઓ લોકડાઉનના કારણે અટકી પડી છે. ધીમી ચાલતી ભરતી પ્રક્રિયામાં લોકડાઉનના કારણે વધારે વિઘ્નો આવ્યા છે. જી.પી.એસ.સી. ની પોલીસ ઇન્સપેક્ટરની તેમજ સેલ્સ ટેક્સ ઇન્સપેક્ટરની જાહેર થયેલી ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખો લોકડાઉનના કારણે પાછળ ઠેલાતી રહે છે.

આ ઉપરાંત ડી.વાય.એસ.ઓ.ની પ્રિલિમિનરી પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે પરંતુ મુખ્ય પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે કોઇ નિશ્ચિતતાઓ નથી. સરકારી ભરતીઓ અંગેની વિવિધ રજૂઆતો તેમજ એલ.આર.ડી.ની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને પણ મહિલા ઉમેદવારોને સમકક્ષ જગ્યા આપવા માટે વિદ્યાર્થીઓ ૨૨મી જૂને ગાંધીનગર એકઠાં થયા હતા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જો કે સચિવાલયના દરવાજા બંધ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો તેમજ કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

જેથી વિદ્યાર્થીઓએ આજથી ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે.  ‘મૈં  ભી ગુજરાત કા બેરોજગાર’ આજે ગુજરાતમાં ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. વિદ્યાર્થીઓ સરકારના વિવિધ પ્રધાનો અને વિભાગોને ટેગ કરી પ્રશ્ન પૂછી રહ્યા છે કે લોકડાઉનના સમયમાં રાજ્યસભા ચૂંટણી થઇ શકે છે તેમ પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પણ થઇ શકે છે તો પછી ભરતીઓ કરવામાં સરકાર શા માટે આટલી ઉદાસીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here