આનાથી બીજી કઈ કમનસીબી : જીવના જોખમે ધસમસતા પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે

વિકાસ થંભી ગયો, ૩ વર્ષથી પુલનું નિર્માણ કાર્ય હજુ પણ અધૂરું, કોઝવે તૂટી જતા લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે, થોડા દિવસ પૂર્વે એક આધેડ નું આ કોઝવેમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું.

તંત્ર હજુ પણ પુલના કામમાં ઝડપ દાખવતું ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, ૩ વર્ષ થી કાર્યરત પુલ નિર્માણ નું કામ હવે ક્યારે પૂર્ણ થશે?-ગ્રામજનો, અહી ધાર્મિક સ્થળો પર હજારો લોકો દર્શનાર્થે આવે છે.

સલીમ બરફવાળા
ઉમરાળા તાલુકાના ગંગાસતી સમઢીયાળા ગામનો કોઝ-વે ત્રણ વર્ષ પૂર્વે તૂટી જતા આ પુલને નવી ઉંચાઈ સાથેના નિર્માણ કર્યાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૨૦ ગામોના લોકોની અવરજવર ધરાવતા લોકો માટેનો આ પુલનું નિર્માણ કાર્ય ૩ વર્ષે પણ અધરું હોય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગોકળગતિએ ચાલતા આ પુલના કામને કારણે લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇ અવરજવર કરવી પડી છે. ત્યારે ગ્રામજનો વહેલીતકે આ પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. “સબકા સાથ સબકા વિકાસ” ના સૂત્ર સાથે કાર્યરત સરકારનો વિકાસ ભાવનગરના ઉમરાળા તાલુકામાં થાકી અને ઉભો રહી ગયો હોય તેવો અહેસાસ અહીના ગ્રામજનો કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગંગાસતીના સમઢિયાળા ગામે કોઝ વે તુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ ૨૦ જેટલા ગામોથી જોડાયેલા આ રસ્તા પર લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. થોડા દિવસો પૂર્વે આ કોઝ વે પરથી પસાર થતી વખતે વાલ્મીકિ સમાજના એક આઘેડે જીવ પણ ગુમાવ્યો છતાં તંત્ર હજી ઉદાસીન બની તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગંગાસતી અને પાનબાઈના પવિત્ર ધામમાં હજારો લોકોની દર્શન કરવા આવે છે, ૩ વર્ષથી કોઝ વે તુટી ગયો હોય ત્યારે વરસાદી સિઝનમાં જનતાને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે.

ત્રણ વર્ષથી પુલનું કામ શરૂ છે પરંતુ ગોકળગાયની ગતિએ એટલેકે તૂટી ગયેલા બેઠા પુલ સમાન લોકો માટે પડી ભાંગેલા વિશ્વાસને ઉભો કરવા એટલેકે નવી ઉંચાઈ ધરાવતા પુલ બનાવી વિકાસના વિશ્વાસ ને પરિપૂર્ણ થવા હજુ કેટલી રાહ જોવી પડશે તેવું ગ્રામજનો પૂછી રહ્યા છે. વિકાસના કામોમાં થતી ઢીલાશ એટલેકે ગોકળગતિએ ચાલતા કામોથી લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. નેતાઓ તૈયાર થયેલા કામોના લોકર્પણમાં એટલેકે રીબીન કાપવામાં જેટલા તત્પર હોય છે એટલી જ તત્પરતા જો થઇ રહેલા કામોને પૂર્ણ કરાવવા તરફ દાખવે તો સાચા અર્થમાં વિકાસની ગાડી પુર ઝડપે દોડી શકે છે અને જેમાં લોકોનો પણ પુર ઝડપે વિશ્વાસ સાથેનો પ્રેમ સામેલ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here