ઝાડ પર યુવાનની લટકતી લાશ મળી આવતા ચકચાર

દેવરાજ બુધેલીયા
ઉમરાળા તાલુકાના દડવા ગામની સીમમાં ખીજડાના વૃક્ષની ડાળી સાથે દોરડા વડે ગળાફાંસો ખાઇ શ્રમિક યુવાને આપઘાત વ્હોરી લેતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસે દોડી જઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ઉમરાળા તાલુકાના દડવા ગામની સીમમાં ખીજડાના વૃક્ષની ડાળી પર યુવાનના મૃતદેહ લટકતો હોય ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા.

આ અંગે ઉમરાળા પોલીસને જાણ કરાતા ઉમરાળા પોલીસ મથકના રાજેન્દ્રસિંહ અને વીરૂભા સહિતના કાફલાએ દોડી જઇ વૃક્ષ પરથી મૃતદેહ ઉતારી તેનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અર્થે ઉમરાળા હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનની આેળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક યુવાન મુળ છોટા ઉદેપુરના કાનાકુવા ગામનો અને છેલ્લા કેટલાક સમયથી દડવા ગામે રહી ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો અરવિંદભાઇ મોહનભાઇ તડવી (ઉં.વ.ર7)નો હોવાનું ખુલ્યુ હોવાનું ઉમરાળા પોલીસ મથકના વીરૂભાઇએ જણાવ્યુ હતુ.

મૃતક અરવિંદભાઇ પરિણીત હોવાનું ખુલ્યુ હતુ. અરવિંદભાઇએ શા કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો તે દિશામાં હે.કો. રાજેન્દ્રસિંહે તપાસ હાથ ધરી હતી. ઘટનાના પગલે દડવા ગામે ભારે ચકચાર મચી હતી. સાથે અરેરાટી છવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here