લાંબા સમયથી આ રૂમ જર્જરિત હાલતમાં હતો, આ રૂમને ઉતારી લેવા બાબતે અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી, શિક્ષણ વિભાગે આ બાબતે ધ્યાન ના આપ્યું અને આખરે રૂમ જાતે જ થયો ધરાશાયી, ગ્રામજનો દ્વારા હવે આ રૂમને નવો બાંધી આપવા કરી માંગ.

નિલેશ આહીર
વિકાસની વાતો કરતા નેતાઓ જરા આ બાજુ પણ જોઈ લે તેવી જરૂર ઊભી થઈ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે આજે વહેલી સવારે પ્રાથમિક શાળાનો એક જર્જરિત અવસ્થામાં રહેલો રૂમ ધરાશાયી થયો હતો. શાળાનો આ રૂમ લાંબા સમયથી જર્જરિત હોય જેને ઉતારી લેવા અંગે શાળાના આચાર્યો દ્વારા શિક્ષણ વિભાગને અગાઉ અનેકવાર જાણ કરી હતી આમ છતાં આ અંગે કોઈ કામગીરી ના કરવામાં આવતા આજે આ રૂમ ધરાશાયી થયો હતો.

સદભાગ્યે શાળા બપોરની હોય અને આ રૂમ બંધ હાલતમાં હોય કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ગ્રામજનો દ્વારા હવે આ રૂમને તાકીદે નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે સવારે ઉમરાળાના ઠોંડા ગામે પ્રાથમિક શાળાનો એક જર્જરિત રૂમ ધરાશાઈ થવાની ઘટનાએ ગ્રામજનો અને વાલીઓના જીવ અધ્ધર કરી દીધા હતા.

ઠોંડા ની પ્રાથમિક શાળા કે જેમાં ૭ થી ૮ રૂમ આવેલા છે જેમાં આજે જે રૂમ ધરાશાયી થયો તે લાંબા સમયથી જર્જરિત હોય અને જે અંગે શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તેની તંત્રએ ગંભીરતા ના સમજતા અને આ રૂમ નો કાટમાળ ઉતારી ન લેતા આજે તે આપોઆપ ધરાશાયી થયો હતો.

જો કે આ રૂમમાં અભ્યાસ બંધ હોય પરંતુ બાજુના રૂમોમાં અભ્યાસ શરુ હોય ઉપરાંત શાળાનો સમય બપોરનો હોય કોઈ વિદ્યાર્થી શાળાએ ન હોય ત્યારે આ ઘટના બની હતી. જો શાળા શરુ હોય અને દુર્ઘટના ઘટી હોય તો કોઈ જાનહાની પણ સર્જાય હોત ત્યારે હવે વાલીઓ અને ગ્રામજનો પણ તાકીદે શાળાનો આ રૂમ નવો બાંધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here