પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટરમાં હાર્દિક પટેલના વિરોધની શરૃઆત ; આંદોલનકર્તાઓને અસમાજીક તત્વો કહેવા મુદ્દે ઉનાવાના ધનજી પાટીદારે કૂચડો મારતો વિડીયો બનાવી વાયરલ કર્યો
સલિમ બરફવાળા
મહેસાણા જિલ્લામાં ભાજપમાં પ્રવેશ અને પાટીદારોને અસામાજીક તત્વો કહેવા મુદ્દે હાર્દિક પટેલનો વિરોધ શરૃ થયો છે.ઊંઝા તાલુકાના ઉનાવામાં હાર્દિકને આવકારતા લાગેલા પોસ્ટરમાં હાર્દિકના ફોટા તેમજ તેના નામ ઉપર કાળો કૂચડો ફેરવીને વિરોધ વ્યક્ત કરાયો હતો. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર મહેસાણા જિલ્લામાં હાર્દિકનો વિરોધ શરૃ થતાં ભાજપના નેતાઓ માટે નવી સમસ્યા ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ માટે મહેસાણા જિલ્લામાં પાટીદારોએ વિરોધની શરૃઆત કરી દીધી છે. ભાજપમાં પ્રવેશ કરતા સમયે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોફાનો કરવામાં અસામાજીક તત્વોનો હાથ હોવાનુ નિવેદન કરતાં પાટીદારોમાં રોષ ઉભો થયો છે. હાર્દિક પટેલ સામેનો રોષ પાટીદાર યુવકે પોસ્ટર ઉપર વ્યક્ત કર્યો હતો.
ઊંઝા તાલુકાના ઉનાવા નજીક હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા લાગેલા પોસ્ટર ઉપર ઉનાવા ધનજી પાટીદાર નામના યુવકે કાળો કૂચડો મારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. હાર્દિકના ફોટા અને તેના નામ ઉપર કાળો કૂચડો ફેરવી દીધો હતો. કાળો કૂચડો ફેરવતો વિડીયો બનાવીને ધનજી પાટીદારે સોશિયલ મિડીયામાં વાયરલ પણ કર્યો હતો. આ વિડીયોમાં ધનજી પાટીદારે હાર્દિક પટેલને સમાજનો ગદ્દાર ગણાવી તેમજ પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારીઓને અસામાજીક તત્વો કહેવા સામે વિરોધ વ્યક્ત કરીને સરદાર પટેલ, મોરારજી દેસાઈ સહિતના મહાનુભાવોનુ પણ તેણે અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક પટેલે સમાજની ઈજ્જત કરી નહી હોવાથી હવે સમાજને લાયક પણ રહ્યો નહી હોવાથી તેનો સંપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરી હતી.