રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે નિધન, સરપંચથી કારકિર્દીની શરૂઆત કરી ગૃહપ્રધાન સુધી પહોંચ્યા હતા
મહુવા બેઠક પર તેઓ સતત બે ટર્મથી વિજેતા બન્યા, ચિત્રા મોક્ષધામ ખાતે અંતિમવિધિ કરાઈ, બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી, ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, મારા પિતા અમારા સમગ્ર સમાજ, તાલુકા અને કુટુંબમાં ઈતિહાસ રચીને ગયા – નરેદ્રભાઈ જાની
મિલન કુવાડિયા
રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. વજુભાઈ જાનીનું 90 વર્ષની વયે નિધન થતાં કોંગ્રેસે સારા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. મહુવા બેઠક પરથી તેઓ સતત બે ટર્મ સુધી ચૂંટાયા હતા. જેમાં તેઓ 1980-85 અને 1985-1990 સુધી મહુવા બેઠક પર વિજેતા બન્યા હતા. તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા, ત્યારે તેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા હતા. રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાન વિજયરાજ નગર ખાતે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધો હતો. આશરે 90 વર્ષની વયે તેમનું નિધન થયું છે.
કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર તરીકે તેઓ સેવા આપી ચુક્યા હતા. મહુવા બેઠક પર તેઓ સતત બે ટર્મથી વિજેતા બન્યા હતા. અમરસિંહ ચૌધરીની સરકારમાં તેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. હંમેશા નિરોગી, સ્વસ્થ, જીવન જીવ્યા વજુભાઈનો જન્મ બોરટી ગામે થયો હતો અને તેઓ હંમેશા નિરોગી, સ્વસ્થ, જીવન જીવ્યા હતા. ક્યારેય પણ તેઓ હોસ્પિટલની દાદરો નથી ચડ્યા. તેમણે એ મહુવામાં બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી હતી. પછી તેમણે ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેઓ વિજેતા થયા હતા. આમ, રાજકીય કારકિર્દની શરૂઆત સરપંચથી શરૂ કરી તેઓ રાજ્યના ગૃહ પ્રધાન સુધી પહોંચ્યા હતા.
સમાજ, તાલુકા અને કુટુંબમાં ઈતિહાસ રચીને ગયા : પુત્ર
તેમના પુત્ર નરેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું હતું કે, “મારા પિતા સરપંચ તરીકે બિનહરિફ, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે બિનહરિફ, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરિફ, જમીન વિકાસ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેન્ક અને 1975થી 1980 અને 1980થી 1990ના સમયમાં ધારાસભ્ય તરીકે પણ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. એક ગાંધીવાદી કાર્યકર તરીકે તેમણે સેવા કરી હતી. સેવા દરમિયાન એમણે ગામના રસ્તાઓ, પશુઓની સારવાર, પ્રાથમિક સારવાર, એસટી બસના કામો માટે સરાહનીય કામગીરી કરી હતી.” તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, “મારા પિતા જ્યારે મંત્રી હતા ત્યારે તેમનું સાણંદ આગળ એક્સિડન્ટ થયું હતું. એ વખતે તેઓ હોસ્પિટલાઈઝ થયા હતા. ત્યાર પછી 90 વર્ષમાં ક્યારેય તેઓ હોસ્પિટલાઈઝ થયા નથી. આજે જૈફ ઉંમરના કારણે જ તેમનું નિધન થયું છે. આજે તેઓ અમારા સમગ્ર સમાજ, તાલુકા અને કુટુંબમાં ઈતિહાસ રચીને ગયા છે.”