લીલી અને ગુલાબી ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, વિદેશી બિયારણોના કારણે હવે ખેતી ખર્ચાળ અને ઉત્પાદન ઘટાડનારી બની રહી છે : ખેડૂત.

સરકારે હવે ખેતીની સારી નીપજ માટે આવા બિયારણ અને દાવા પર પ્રતિબંધ મુકવો જોઈએ, વર્ષો જૂની દેશી ખાતર અને બિયારણ ની ખેતી ખુબ સારી હતી : ખેડૂત.

હવે ઓર્ગેનિક ખેતી તરફ પરત ફરવાનો સમય આવી હયો છે, ત્રણ વર્ષ ખેડૂતોને મુશ્કેલી પડશે પરંતુ ગુણવત્તા યુક્ત વધુ પાકનું ઉત્પાદન મળશે.

ઓર્ગેનિક ખેત ઉત્પાદન માર્કેટમાં આવશે તો લોકોનું આરોગ્ય સુઘરશે અને દવાની પણ જરૂર નહીં પડે.

સલીમ બરફવાળા
લાગે છે હવે ઓર્ગેનિક ખેતી તરફ પરત ફરવાનો સમય આવી ગયો છે, આવા જ શબ્દો કહી રહ્યાં છે હવે સીદસર ગામના ખેડૂતો. ચોમાસામાં અતિવૃષ્ટિ સમાન વરસાદ, ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે લીલી અને ગુલાબી ઈયળોના આતંકે ખેડૂતોને ભારે નુકશાન પહોચાડ્યું છે. હાલની સ્થિતિમાં ઈયળોનો આતંક એ વિદેશી બિયારણ અને વિદેશી ખાતરની દેણ છે. વર્ષો પહેલા દેશી ખાતર અને દેશી બિયારણની ખેતીમાં આવી કોઈ મુશ્કેલીઓ સામે આવતી ના હતી જેથી હવે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પરત ફરવા તત્પર બન્યા છે.

એક સમય હતો જયારે ખેડૂતો દેશી ખાતર અને દેશી બિયારણ થકી ખેતી કરી કોઈપણ પ્રકારની જીવાત કે ઈયળોના આતંક વગર ગુણવત્તા યુકત મબલક પાકનું ઉત્પાદન મેળવતા અને એ પણ નહીવત ખર્ચમાં, છેલ્લા થોડા વર્ષોથી કપાસ, મગફળી સહિતના પાકોમાં ખેડૂતોએ વધુ ઉત્પાદનની આશામાં હાઈબ્રીડ બિયારણનો ઉપયોગ શરુ કરી દીધો છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ આ બિયારણ થકી મબલક પાક મેળવ્યો પરંતુ સમય જતા આ પાકમાં વિદેશી ખાતર, જંતુનાશક દવાઓ વગરે નો ખર્ચ ખેડૂતોને વધી ગયો અને ખેતી ખર્ચાળ બની અને નીપજ માં ઘટાડો થતો ગયો.

ભાવનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે પહેલા પ્રથમવાર બીટી બિયારણ આવ્યુ ત્યારે એક વીઘા જમીનમાં ૫૦ મણ કપાસનું ઉત્પાદન થતું સારું ઉત્પાદન થવાથી આવક વઘવા લાગતા મોટા ભાગના ખેડૂતોએ પોતાની વાડી-ખેતરોમાં બીટી કપાસ બિયારણનું વાવેતર કરવા લાગ્યા, સમય જતાં ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતાં ઈયરનો ઉપદ્રવ વઘવાના કારણે એક વીઘા જમીનમાં ૧૫ થી ૨૦ મણ કપાસ થવા લાગ્યો અને હાલ બિયારણની ક્વોલીટી નબળી પડતા છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે.

બિયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યો હોય તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. આ વર્ષે કપાસમાં ગુલાબી લીલી ઈયરનો ઉપદ્રવ ખૂબજ વઘ્યો છે, પાકમાં સડો બેસી ગયો છે, કપાસના છોડ કાળા અને ચીકણા બની ગયા છે. હાલ જે ખેતરોમાં કપાસનું વાવેતર કરેલું છે તેમાં પુરા પાક દરમ્યાન ૧૫ વાર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, એક પંપનો ખર્ચ ૭૦ રૂપિયા જેવો થાય છે એક વીઘામાં આઠ પંપ દવાનો છંટકાવ કરવો પડે છે. આમ હવે આ ખેતી ખર્ચાળ બની છે. ચાર વીઘા જમીનમાં બીટી કપાસનું વાવેતર કરનાર કિશોરભાઈ નામના ખેડૂતે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતું કે હવે ૫૦ કે ૧૦૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતો ખુબ ઓછા રહ્યા છે.

જેથી ટૂંકી જમીનમાં વધુ પાક મેળવવા ખેડૂતો તનતોડ મહેનત અને ખર્ચ કરતા હોય છે. તેમણે ચાર વીઘા જમીનને ખેડી બીટી કપાસના બિયારણનું વાવેતર કર્યું અને સારું ઉત્પાદન થાય તે માટે રાત દિવસ મહેનત કરી પરંતું ઈયળોના ઉપદ્રવે તમામ મહેનત પણ પાણી ફેરવી દીધું. આ ઈયળોના ઉપદ્રવને દુર કરવા હજારો રૂપિયાનો ખર્ચ કરી જંતુનાશક દવાનો છંટકાવ કર્યો પણ પરિણામ કઈ ન મળ્યું, આ વખતે એક વીઘે માત્ર પાંચ મણ કપાસનો ઉતારો આવે તો પણ સારું તેમ કહી સરકારે હલકી ગુણવત્તા યુક્ત બિયારણ અને દવા પર પ્રતિબંધ મુકવો જોઈએ તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here