મહુવાની વિકટર ચોકડી પાસે માદક પદાર્થ સગેવગે કરવાની પેરવી ચાલતી હતી, ટ્રકમાં ડુંગળીની આડમાં ૧૩૦૦ કિલો પોશ ડોડા (કાલા) છુપાવીને લવાયા હતા, સિહોરના ટ્રક ચાલક ગગજી મેરને પોલીસે ગિરફ્તાર કર્યો, હજુ એક ફરાર, ૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે

હરેશ પવાર
ગઇકાલે મહુવા નજીકથી ૧૩૦૦ કિલો માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો છે જેમાં સિહોરના ટ્રક ડ્રાઇવર ગગજી મેર પોલીસના સકંજામાં સપડાયો છે તેમજ હજુ એક સિહોરના વ્યક્તિ ફરાર હોવાનું જાણવા મળ્યું છે મહુવા નજીક પોલીસને મળેલું પૂર્વ બાતમી આધારે બંધ પેટ્રોલ પંપની જગ્યામાં પાર્ક કરેલ ટ્રકની તલાશી લેતા ડુંગળીની આડમાં છુપાવીને લવાયેલ ૧૩૦૦ કિલો માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મહુવા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે એક સિહોરના ટ્રક ચાલકની ધરપકડ કરી લઇ સ્થળ પરથી બે ટ્રક, આઇસર, કાર અને માદક પદાર્થ પોશ ડોડા અને ડુંગળીનો જથ્થો મળી અંદાજીત ૪૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર મહુવા પોલીસને બાતમી રાહે હકિકત મળી હતી કે, મહુવા બાયપાસ પર આવેલ વિકટર ચોકડી નજીક બંધ પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાં ટ્રકમાં ડુંગળીની આડમાં લવાયેલ માદક પદાર્થ સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે જે હકિકત આધારે મહુવા પો.સ્ટે.ના પી.આઇ. એમ.બી. નકુમ સહિતનો સ્ટાફ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગઇકાલે સવારે ૭ કલાકના અરસા દરમિયાન ત્રાટકી પાર્ક કરેલ ટ્રકની તલાશી લેતા ઉપર ડુંગળી અને નીચેના ભાગે છુપાવી રખાયેલ માદક પદાર્થ પોશ ડોડા (કાલા)નો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.

જેના પગલે ભાવનગર એફ.એસ.એલ.ને જાણ કરાતા ફેરેન્સીક સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને માદક પદાર્થની ચકાસણી હાથ ધરી હતી. ૧૩૦૦ કિલો (કિં.રૂા.૧૬ લાખ) કાલાના જથ્થા સાથે ટ્રક ચાલક ગગજી મેર (ઉ.વ.૪૨, રે.સિહોર) મળી આવતા ધરપકડ કરી લેવામાં આવી હતી. વિકટર ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં વહેલી સવારે ડુંગળીની આડમાં લવાયેલ માદક પદાર્થ સગેવગે કરવાની પેરવી ચાલતી હતી તે વેળાએ પોલીસ કાફલો ત્રાટક્યો હતો.

સ્થળ પરથી પોલીસ સ્ટાફે બે ટ્રક, એક આઇસર, એક વેન્યુ કાર, મોબાઇલ, માદક પદાર્થ કાલા અને ડુંગળીનો જથ્થો મળી અંદાજીત રૂા.૪૫ લાખનો મુદ્દામાલ કબજે લઇ મહુવા પોલીસ મથકમાં રાત્રિના સુમારે એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.મહુવા પોલીસ અને એસઓજીનો કાફલો ત્રાટક્યો બે ટ્રક, આઇસર, કાર અને માદક પદાર્થ સહિત અંદાજીત ૪૫ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here