ખેડૂતલક્ષી યોજનાની એન્ટ્રીનું મહેનતાણું નહીં ચુકવાતાં ઓપરેટરોમાં રોષ, કમિશન પ્રથા બંધ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરશે


હરીશ પવાર
ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર સાહસિકો છેલ્લા ઘણા વર્ષથી ફરજ બજાવીને ગ્રામજનોને વિવિધ યોજનાઓ અને સરકારી લાભો અંગે માહિતગાર કરતાં હોય છે. તો કમિશન ઉપર કામ કરી રહેલાં વીસીઇને પગારધોરણ આપવામાં આવતું નથી તો કમિશન પ્રથા બંધ કરીને પગારધોરણ ચાલુ કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરશે તો બીજી તરફ ખેડૂતલક્ષી યોજનાનું મહેનતાણું ચુકવવામાં નહીં આવતાં કામગીરી બંધ કરવાનો નિર્ણય પણ ઓપરેટરોએ લીધો છે. રાજ્યના દરેક ગામડાના છેવાડાના માણસને સરકારની યોજનાઓ તેમજ લાભો સરળતાંથી ગામમાં જ મળી રહે તે માટે ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી હતી.

જેના ભાગરૂપે દરેક ગ્રામપંચાયતમાં વીસીઇ નિમણૂંક આપવામાં આવી હતી.આ યોજના અંતર્ગત વીસીઇને કોઇ પગાર આપવામાં આવતો નથી તેમજ અન્ય લાભો પણ મળવાપાત્ર હોતા નથી ફક્ત સરકારના ધારાધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવેલ કમિશન ઉપર જ કાર્ય કરતાં હોય છે. જે ઓછું હોવાથી હાલની પરિસ્થિતિમાં પોષાય તેવું નહીં હોવાથી વીસીઇના મંડળ દ્વારા અવાર નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઇ જ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં ઓપરેટરોમાં પણ રોષ ઉભો થયો છે.

ત્યારે કમિશન પ્રથા બંધ કરીને પગાર ધોરણ ચાલુ કરવા સહિત સરકારની પોલીસીમાં ફેરફાર કરવા માટે આવતીકાલે એટલે કે રપ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવાનો નિર્ણય પણ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતલક્ષી યોજનાઓની એન્ટ્રીનું મહેનતાણું પણ હજુ સુધી સરકાર દ્વારા ચુકવવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં ઓપરેટરોએ તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં ચુકવી આપવાની માંગ કરી છે. જે અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારે જાહેર કરેલી યોજનાની કામગીરી નહીં કરવાની ચિમકી ઉચ્ચારી છે અને એક ઓક્ટોબરના રોજ કાળી પટ્ટી ધારણ કરીને સરકારની કમિશન પ્રથાની પોલીસી સામે વિરોધ પ્રગટ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here