ગુજરાતના વિસરાતા જતાં સાહિત્યને અજરામર કરવાનું કાર્ય ઝવેરચંદ મેઘાણીએ તેમના ઓજસ્વી સાહિત્ય પ્રદાનથી કર્યું છે, તેમનું સાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીના જંગની લડાઈનું પ્રદાન યુવાપેઢીને માર્ગદર્શન આપતું રહેશે : ઈશ્વરભાઈ પટેલ

સલિમ બરફવાળા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવસભર અંજલિ અર્પિત કરવા માટે સરદારનગર ખાતે આવેલા તેમના જ નામના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે ‘કસુંબીનો રંગ’ ઉત્સવની જાનદાર- શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતી સાહિત્યના લુપ્ત થતાં સાહિત્યને ફરીથી તેજોમય તેજથી મઢેલા શબ્દોથી ઝવેરચંદ મેઘાણીએ પોતાના ઓજસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા અજરામર કર્યું છે. તેમણે રચેલા કાવ્યો, નવલકથાઓ લોકકથાઓ, શૌર્યગીતો તેમના અવસાનના આટલાં વર્ષો પછી પણ સૌ સાહિત્યકારો અને આપણાં કંઠે ગૂંજી રહ્યાં છે.

દરેક ઉંમરના લોકો તેમના સાહિત્યના વાંચનથી અભિભૂત થાય તેવી તેમની લેખની દ્વારા તેમણે ગુજરાતની જનતામાં શૌર્ય, બલિદાન, ત્યાગ પ્રેમ અને ખૂમારીના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાને ‘પહાડનું બાળક’ તરીકે ઓળખાવતા આ લેખક ગિરનારના જંગલ, કસબા, નેસડાઓ તેમજ કાઠિયાવાડના ગામે- ગામ ખભા પર થેલો ભરાવીને કલમ અને કાગળ દ્વારા લોકસાહિત્યના મોતી એકઠાં કરી તેની માળા બનાવી માં ગુર્જરીને ચરણે સમર્પિત કરી છે તેવાં તેમના અમૂલ્ય પ્રદાનને વિસરી શકાશે નહીં.બ્રિટિશ સલ્તનત સામે જંગે ચઢેલા ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યાં હતાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રચેલું ‘ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ‘ તે પ્રજા મિજાજને છતો કરે છે. તો લોકસાહિત્યનો કોઈપણ ડાયરો ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ‘ કાવ્ય પંક્તિઓ સિવાય પૂર્ણ થતો નથી તે મેઘાણી સાહિત્યની ઓજસ્વિતા અને પ્રસ્તુતતા સૂચવે છે.

મંત્રીએ કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં એટલો જોમ, જુસ્સો અને ખુમારી છે કે, જો જોમ- જુસ્સા વગરના અને મનથી નિરાશ વ્યક્તિને સંભળાવવામાં આવે તો તેનામાં પણ જોમ ભરાઇ જાય. એટલું જ નહીં મડદામાં પણ પ્રાણ ફૂંકે તેવા વીર રસથી ભરેલી તેમની અનેક રચનાઓ છે. ઝવેરચંદ મેઘાણી સોરઠી સાહિત્યના બહુમુખી પ્રતિભા ધરાવતાં લેખક અને સર્જક હતાં. ગુજરાતી સાહિત્યમાં શિરમોર અને વિરાટ વ્યક્તિત્વના ધણી એવાં ઝવેરચંદ મેઘાણી માટે જેટલું લખવામાં કે બોલવામાં આવે એટલું ઓછું છે, તેવું તેમનું વિરાટ પ્રદાન છે તેમ તેમણે ઉમેર્યું હતું. વતનની ધૂળ માથે ચડાવનાર આ માણસ કલકત્તાની નોકરી છોડી પોતાના વતનની સેવા માટે બગસરા આવીને કલમને ખોળે માથું મૂકી સાહિત્ય સાથે પત્રકારત્વમાં પણ મહત્વનું યોગદાન આપે છે

તેના તેજ ચમકારા આજે પણ પ્રકાશિત થઈ આપણો માર્ગ પ્રશસ્ત કરી રહ્યાં છે. ગુજરાતી સાહિત્યના આવાં શિરમોર વ્યક્તિત્વના વિચારો અને સર્જનને જન-જન સુધી પહોંચાડવા તેમના જીવન સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થળોને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. તેમનું સાહિત્ય,પત્રકારત્વ અને આઝાદીની જંગની લડાઈમાં આપેલું પ્રદાન આવનારી પેઢીઓ સુધી આપણને માર્ગદર્શન આપતું રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણાં જીવનમાં પણ કસુંબીનો રંગ ઢોળાય અને આપણે સૌ ભારત માતાને વિશ્વના સર્વોચ્ચ શિખરે બેસાડવા માટે કટિબદ્ધ થઈએ એ જ આજના દિવસની ઝવેરચંદ મેઘાણીને સાચી અંજલિ હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here