રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવાં મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫ મી જન્મજયંતિ

સલિમ બરફવાળા
દાયકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.પાળિયાને બેઠાં કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર -ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે. મેઘાણીજી ઇ.સ.૧૯૧૨ થી ૧૯૧૬ દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યાં હતાઅને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી.
ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે.તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈ ના દિવા, વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરુણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.

કવિ,લેખક,પત્રકાર,વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.૨૮/૦૮/૧૮૯૬ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં.
પિતા પોલીસ એજન્સીમાં અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીનો પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસ્યો હતો. તેઓનો પ્રારંભિક અભ્યાસ રાજકોટ શહેર ખાતે જયારે માધ્યમિક તથા કોલેજનો અભ્યાસ અમરેલી, જૂનાગઢ અને ભાવનગર ખાતે પૂર્ણ થયો હતો.

તેજસ્વી વિઘાર્થી મેઘાણીજીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીના સંસ્કારબીજ અભ્યાસકાળ દરમિયાન જ વવાયા હતાં.કૌટુંબિક કારણોસર એમ.એ. (M.A.) નો અભ્યાસ અધૂરો છોડી તેઓ કલકત્ત્।ા ખાતે જીવણલાલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી બંગાળ ખાતે સ્થાયી થયાં. અહીં તેઓ બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરજીના પરિચયમાં આવ્યા બાદ અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષામાં ઉત્ત્।મ ભાવાનુવાદ કરી રવીન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને અર્પણ કરી ગયાં છે.

વતનનો સાદ સાંભળી કલકત્ત્ છોડી કાઠિયાવાડ ખાતે સ્થાયી થયા બાદ ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફૂલછાબ’ અખબારમાં સૌ પ્રથમ પત્રકાર અને ત્યારબાદ તંત્રી તરીકેની પ્રસંશનીય ફરજ બજાવી પત્રકારત્વ જગતમાં અનોખી ભાત પાડી હતી.ઈ.સ. ૧૯૪૦ માં રાજકોટ ખાતે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું. તેમા સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં વિદ્વાન ચારણ-ગઢવી કવિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંમેલનમાં મેઘાણીજીને વ્યાખ્યાન આપવા આમંત્રણ અપાયું હતું. તેમણે તેમાં સતત પોણા બે કલાક સુધી અસ્ખલિત વાણીનો ધોધ વહાવ્યો હતો. તેઓની અસ્ખલિત વાણી સૌ દેવીપુત્રો મુગ્ધભાવે સાંભળતાં રહ્યાં હતા.તા.૦૯/૦૩/૧૯૪૭ ની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગના હુમલાને કારણે તેઓનું દેહાવસાન થયું હતું.પંચ મહાભૂતમાં ભળી ગયેલા આ કવિએ લોકસાહિત્યને ખૂણે-ખૂણેથી એકઠું કરી તેની પુનૅંપ્રતિષ્ઠા કરી છે.

લોકસાહિત્યના મહેરામણ એવા ઝવેરચંદ મેઘાણીની સમગ્ર દેશમાં ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના દ્વારા સંપાદિત કરાયેલ સાહિત્યને વાંચીએ વંચાવીએ અને તેના સારને આત્મસાત કરીએ તે જ આજના દિવસની તેમને સાચી અંજલિ હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here