ઠંડી જામતી જતી હોય તેવા વાતાવરણની અસર જનજીવન ઉપર પણ વર્તાઇ રહી છે

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેર અને પંથકમાં ઠંડીની મોસમ જામતી જતી હોય તેવા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ગગડતાં તેની અસર સમગ્ર દિવસ દરમિયાન નગરજનોને અનુભવવા મળી રહી છે. તો અન્ય શહેરોની સરખામણીએ પંથકમાં વધુ ઠંડીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં આ વર્ષે આક્રમક ઠંડી પડવાની સંભાવના સેવાઇ રહી હોય તેવા વાતાવરણનો છેલ્લા ઘણા દિવસોથી નગરજનોને સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે હાલમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે.

વહેલી સવારથી જ આક્રમક બની રહેલી ઠંડીનો અહેસાસ સમગ્ર દિવસ દરમિયાન લોકોને કરવો પડયો હતો. તો બીજી તરફ મહત્તમ તાપમાનના પારામાં પણ આંશિક વધારો નોંધાવા પામ્યો છે. તો દિવસ અને રાત્રીના તાપમાનમાં બેવડો તફાવત હોવાછતાં આક્રમક ઠંડીનો અહેસાસ નગરજનોને હાલમાં કરવો પડી રહયો છે. ત્યારે આગામી દિવસોમાં તીવ્ર ઠંડીનો સામનો કરવો પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાતાવરણમાં થયેલાં પલટાના પગલે જે પ્રકારે તાપમાનનો પારો ઘટી રહ્યો છે તેની અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી હોય તેમ નગરજનો પણ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ ફરી રહયા છે. તો અચાનક જ ઠંડીમાં વધારો થતાં નગરજનો પણ થરથરી રહ્યા છે.