સિહોર એલ. ડી. મુનિ હાઈસ્કૂલ, ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી

હરિશ પવાર
સિહોરની એલ. ડી. મુનિ હાઈસ્કૂલ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ શિક્ષકમિત્રો અને આચાર્ય સાથે વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા શાળાના વિદ્યાર્થીઓએ આજે માતૃભાષાના મહિમા અને ભાષાની શક્તિ વિશે વિશેષ માહિતી મેળવી પોતાના જ્ઞાનનો વિસ્તાર કર્યો હતો આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ભાષા બચાવવાની બૂમાબૂમ ચાલી રહી છે અને આ બૂમાબૂમ બિલકુલ વ્યાજબી છે અને હા ગુજરાતની અસ્મિતા સમી આપણી ગુજરાતી લુપ્ત થવાને આરે હોય તે કેમ ચાલે? અરે, સાચો ગુજરાતી ચલાવી પણ ન લે ! ગુજરાતી ભાષા એ આપણો બુલંદ અવાજ છે.

એક એવો અવાજ જેમાં આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને અસ્મિતા ઝીલાય છે. હા… એક વાત ચોક્કસ છે કે જો આપણે આપણી માતૃભાષાનું ગૌરવ નહીં કરીએ તો આપણી સંસ્કૃતિ અને પ્રાચીન વારસો કાળનાં પેટાળમાં ડૂબી જવાનો એ કડવું -સચોટ સત્ય છે ! ગુજરાતમાં અને ભારતમાં અંગ્રેજી માધ્યમનું વધતું પ્રમાણ એ મેકોલોનું સ્વપ્ન સાકાર થતું હોય તેવું લાગે છે. એક બુલંદ અવાજ સાથે, એક સંકલ્પ સાથે ‘ગુજરાતી ભાષાને બચાવવી છે, ગુજરાત બચાવવું છે’ એવો સ્વર્ણિમ ગુજરાતનો જયઘોષ કરી રડતી માના (ગુજરાતી ભાષાના) ચહેરા પર હાસ્યની છોળો ઉડાડીએ અને અબીલગુલાલનાં છાંટણા કરીએ