ઉનાળો શરૂ થયો નથી ત્યાં સૂકા ઘાસચારા માટે પશુપાલકો-ખેડૂતોને દોડધામ, પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે તેની સામે ઘાસચારાનું ઓછું વાવેતર : કપાસિયા ખોળના ૫૦ કિલોના ભાવ રૂ ૧૮૦૦ ને આંબી ગયો

દેવરાજ બુધેલિયા
સિહોર : ઉનાળા પૂર્વે સૂકા ઘાસચારાની માંગમાં પણ વધારો થયો છે પશુપાલકો મોટાભાગે ઉનાળા પૂર્વે ઘાસચારાની ખરીદી કરતા હોય છે જેથી હાલના સમયે સૂકા ઘાસચારાની માંગ ઉઠી છે તો બીજી તરફ સુકા ઘાસચારાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પશુઓને જીવાડવા જરૂરી હોવાથી પશુપાલકો સૂકા ઘાસના વધુ ભાવ ચૂકવવા માટે મજબૂર બન્યા છે અન્ય ઘાસચારાનો ભાવ પણ આસમાને પહોંચતાં પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે તેની સામે ઘાસચારાનું ઓછું વાવેતર થતું હોવાથી દર વખતે ઉનાળામાં સૂકા ઘાસચારો મેળવવા માટે પશુપાલકો દોડધામ કરતા હોય છે. હજુ ઉનાળો વિધિવત રીતે શરૂ થયો નથી પરંતુ અનેક વિસ્તારોમાં સૂકા ઘાસચારા માટે ખેડૂતોએ દોડધામ શરૂ કરી છે.

સૂકા ઘાસની માંગ શરૂ થતાં તેની સીધી અસર હવે ભાવ ઉપર દેખાઈ છે પશુપાલકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઘાસચારો વેચનારાઓ મરજી મુજબ ઉંચા ભાવ વસુલી રહ્યા છે. સુકા ઘાસચારાની ખરીદી પશુપાલકોએ શરુ કરતાં ભાવ વધ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં મરજી મુજબ ભાવ ખંખેરવામાં આવી રહ્યા છે. ઉનાળા પૂર્વે ઘાસચારાની માંગમાં વધારો થતાં ભાવ ઉંચકાયા છે જેથી આગામી સમયમાં પણ સૂકા ઘાસચારાના ભાવમાં વાધારો થઈ શકે છે જ્યારે કપાસિયા ખોળનો ૫૦ કિલોનો ભાવ રૂ ૧૧૦૦ હતો તે વધીને અત્યારે રૂ ૧૮૦૦ ને આંબી ચૂક્યો છે.  પશુઓ માટેના ઘાસચારાથી લઈ દાણ-ખોળમાં તોતિંગ ભાવવાધારાના પગલે પશુપાલન સાથે સંકળાયેલા સેંકડો પરિવારોની હાલત કફોડી બની રહી છે. ખોળ- પાપડીના વધતા જતા ભાવોના કારણે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની હાલત દયનિય બની છે