હાર્દિક દ્વારા ફરી આંદોલન કરવાના એલાન બાદ એપિસેન્ટર સિહોર પાસ ટિમ ફરી જાગી, કેસો પાછા ખેંચવાને લઈ ફરી આંદોલનના ભણકારા

શંખનાદ કાર્યાલય
ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લઈ તેમને અનામતનો લાભ અપાવવા માટે આંદોલન થયું હતું જે માટે ગુજરાતમાં મોટા પાયે સભાઓ થઈ હતી. આંદોલનની જવાબદારી હાર્દિક પટેલ જેવા યુવાનોએ માથે ઉપાડી હતી જે આંદોલન માટેનું એપિસેન્ટર સિહોર તાલુકો બન્યું હતું ૨૦૧૫માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભા પહેલાં હાર્દિક પટેલની ધરપકડ કરાતાં રાજ્યવ્પાયી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે સમયે આનંદીબહેન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે આંદોલનકારીઓ પર વિવિધ કાયદાકીય કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત હાર્દિક પટેલ સહિત પટેલ સમાજના અસંખ્ય યુવાનો પર જુદા-જુદા ગુનાને લગતા કેસો દાખલ કરાયા હતા.

જુદા-જુદા સમયે ગુજરાતમાં ભાજપની સરકારે આ કેસો પાછા ખેંચવાનાં વચન આપ્યાં હતાં, પરંતુ હાર્દિક પટેલનું કહેવું છે કે બધા યુવાનો સામેના કેસો પાછા ખેંચાયા નથી. આ વાતને મુદ્દો બનાવી ફરી પાટિદાર નેતા લીડર હાર્દિક પટેલે ફરી વાર ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે તેમણે ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પાછા નહીં ખેંચે તો આગામી ૨૩ માર્ચથી સમાજને એકત્રિત કરી ફરી આંદોલન ઊભું કરવાનો હુંકાર કર્યો છે ત્યારે સિહોર પાસ ટીમમાં પણ સળવળાટ શરૂ થયો છે સરકાર સામે ફરી મોરચો મંડાઈ તેવા એંધાણ વચ્ચે અનામત આંદોલન એપીસેન્ટર રહેલ સિહોર તાલુકામાં રણનીતિ માટેની બેઠકો વચ્ચે કાર્યક્રમોનો તખ્તો ઘડાતો હોવાનું નજીકના સૂત્રો કહી રહ્યા છે