પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો નોંધાતા રસોડાના બજેટ ખોરવાયા 

બ્રિજેશ ગોસ્વામી
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધતા મોંઘવારીનો પારો ધીમે ધીમે ઉંચે ગયો છે જેને લઈ મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે. પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની સાથે સાથે રાંધણગેસમાં પણ ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓના બજેટ ખોરવાતા ભારે રોષ વ્યાપ્યો છે. મધ્યમ-ગરીબ વર્ગ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.થોડા દિવસો પૂર્વે રાંધણ ગેસના ભાવમાં રૂ. ૫૦નો કમરતોડ વધારો ઝીંકાયો છે.

તો બીજી તરફ, છેલ્લા ત્રણેક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે સીએનજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. પેટ્રોલ, ડીઝલ તથા ગેસના ભાવો વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે જેની સીધી અસર જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડી છે અને શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે સાથે સાથે સીંગતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી મોંઘવારીનો પારો સતત ઉંચે જતા સામાન્ય માણસ માટે જીવનના કપરા દિવસો આવ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો નોંધાતા રસોડાના બજેટ ખોરવાયા છે. દૂધ, શાકભાજીની સાથે સાથે તેલ અને મરી મસાલાના ભાવોમાં પણ ટૂંકા ગાળામાં વધારો નોંધાતા ભોજનની થાળીનો સ્વાદ ફીક્કો બની રહ્યો છે.  છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડિઝલ ગેસની સાથે સાથે તેલ શાકભાજી, દૂધના ભાવોમાં વધારો નોંધાતા ખાનગી કંપનીઓમાં નોકરી કરતા લોકો ટૂંકા પગારના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે.

ગરીબ મધ્યમ વર્ગના પરિવારો રસોડા માટે ચોક્કસ બજેટ ફાળવતા હોય છે પરંતુ ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે અને ઘર ચલાવવું મુશ્કેલી બન્યું છે. સરકારી નોકરીઓ ધરાવતા નોકરીયાત વર્ગને સરકાર દ્વારા મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે પરંતુ ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે મોંઘવારી માથાના દુઃખાવા સમાન બની છે.