ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ડે કલકેટર રાજેશ ચૌહાણ, મામલતદાર સહિત નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ વિશેષ ઉપસ્થિત રહ્યા : પ્રસંગે રાજેશ ચૌહાણે કહ્યું યુવક યુવતીઓને બાસ્કેટબોલ રમત પ્રત્યે પોતાની પ્રતિભાઓ સાબિત કરવાની ઉત્તમ તક

મિલન કુવાડિયા
સમગ્ર દેશમાં ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે ખેલેગા ઇન્ડિયા જીતેગા ઈન્ડિયાના આધારે રમશે ગુજરાત જીતશે ગુજરાત ની તર્જ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ સંયુક્ત આયોજન હેઠળ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો આજે મોડી સાંજે ડે કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર, અને નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

સિહોરના વળાવડ ખાતે આવેલ સચ્ચિદાનંદ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ડે કલેકટર રાજેશ ચૌહાણે જણાવ્યું કે રમત-ગમત પ્રત્યેનો માહોલ બને અને વધુને વધુ લોકો આ રમતો પ્રત્યે જાગૃત બને તેવા ભાવ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમતની પ્રવૃતિઓથી જે તે રમત પ્રત્યે પોતાની કુશળતા સાબિત કરવાની તક મળશે. તદુપરાંત મેદાની રમતો દ્વારા પોતાની જાતને પણ ચુસ્ત-દૂરસ્ત રાખી શકાશે.

આ પ્રસંગે વિક્રમભાઈ નકુમે જણાવ્યું કે બાસ્કેટબોલ રમશે તો તેઓ આગળ જતાં પોતાની પ્રતિભાને સાબિત કરી શકશે અને રાજ્યનું નામ દેશમાં રોશન કરશે. તેમણે આ ટુર્નામેન્ટમાં સહભાગી થયેલા ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી ત્યારે સમગ્ર રાજ્યની અલગ અલગ ટિમો સિહોરના આંગણે આવી પહોંચી હતી અહીં સચિદાનંદ શાળાના આચાર્ય સહિતના સ્ટાફ હાજર રહીને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.