ખરીદ-વેચાણ સહિતના વ્યવહારોની થઇ રહેલી સીજીએસટી દ્વારા તપાસ, સળીયાના ઉત્પાદકોમાં ફફડાટ

શંખનાદ કાર્યાલય
સિહોર ભાવનગર સહિત દેશભરમાં લોખંડના સળીયાના ઉત્પાદનોને કારણે ખ્યાતનામ રૂદ્ર ગ્રુપ પર સીજીએસટી તંત્ર દ્વારા ગઈકાલે બુધવારે સવારથી સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લાંબા સમયથી તંદ્રાવસ્થામાં ગરકાવ થયેલા સીજીએસટી તંત્રે આળસ ખંખેરી કાર્યવાહી શરૂ કરી છે. રૂદ્ર ગ્રુપના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટ નં.133, કાળિયાબીડ-ડી બ્લોક માં આવેલા નિવાસ્થાન, સિહોર ફેક્ટરી, વાઘાવાડી રોડ પર આવેલી રજીસ્ટર્ડ ઓફિસ સહિતના સ્થળોએ સીજીએસટી તંત્ર દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રારંભિક કાર્યવાહીમાં રૂદ્ર ગ્રુપની પેટા કંપનીઓના ખરીદ-વેચાણના વ્યવહારો, કોમ્પ્યુટર, ગેટ પાસ, કાંટા ચીઠ્ઠીઓ ચકાસવામાં આવી રહી છે. ખરીદ-વેચાણના વ્યવહારોને જીણવટભરી નજરે જોવાઇ રહ્યા છે. અગાઉ પણ રૂદ્ર ગ્રુપ પર જીએસટી સંબંધિત કાર્યવાહી થઇ ચૂકેલી છે.ભાવનગરમાં સીજીએસટી તંત્રના દરોડાની વાતો વહેતી થતા કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને બુધવારે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.