સિહોર સાથે પંથકમાં કમોસમી વરસાદના કારણે હાડ થીજાવતી ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયા : મોટાભાગના વિસ્તારોમાં પારો જોરદાર રીતે ગગડયો : લોકોને ફરજીયાત સ્વેટર, જાકીટ, ટોપી, મફલર, શાલનો સહારો લેવો પડયો

હરેશ પવાર
છેલ્લા બે ત્રણ દિવસથી સિહોર સહિત સૌરાષ્ટ્ર બેઠા ઠારની લપેટમાં આવી ગયુ છે. કડકડતી ઠંડી સામે હૂંફ મેળવવા તાપણાનો આશરો લેવામાં આવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયા બાદ આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાઇ ગયા છે અને ગરમ કપડાનો સહારો લેવો પડયો છે.

આજે અનેક શહેરો – ગામોમાં પારો વધુ નીચે ચાલ્યો જતાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થયો છે. આજે ઉત્તર ભારત – કાશ્મીર જેવી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે.વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજયના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પલટો જોવા મળી રહ્યો છે, એક તરફ ઠંડીની મોસમ ચાલી રહી છે બીજી તરફી મોસમી પવનોને કારણે ઋતુમાં ભારે પરિવર્તન જોવા મળી રહ્યું છે.

એક સાથે ડબલ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે કડકડતી ઠંડી પડી રહી છે. વહેતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સાથે બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે.. તો બીજી તરફ માવઠાના મારને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરોમાં લોકો ઠંડીનું પ્રમાણ વધતા ગાર્ડનમાં એકસરસાઈઝ, કસરત, વ્યાયામનો સહારો લેતા નજરે પડે છે.. અને યોગાઆસન દ્વારા પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવાનાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે તો પવન સાથે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના જાણકારો હજુ પણ આગામી ૨ દિવસ રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવું જણાવી રહ્યા છે..રાજયમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે.