ભાવનગર : ગરમીનો પ્રથમ રાઉન્‍ડ, પારો ૪૦ને વટાવશેઃ હિટવેવની આગાહી

હવે આકરા તાપ સાથે ગરમીના ડોઝ માટે થઈ જાવ તૈયાર : સોમવાર સુધીમાં અમુક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જશે : તા. ૧૪ થી ૧૬ હિટવેવનો માહોલ

બ્રિજેશ ગોસ્વામી
હાલમાં બપોરના સમયે તડકા સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જો કે રાત્રીના સમયે ગરમીથી રાહત જોવા મળે છે, પરંતુ આગામી સપ્‍તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે આ સીઝનમાં ગરમીનો પ્રથમ જોરદાર રાઉન્‍ડ આવતા સપ્‍તાહમાં જોવા મળશે ૧૪મી માર્ચ સુધીમાં અમુક શહેરોમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી જશે, તો ૧૪ થી ૧૬ દરમિયાન અમુક સેન્‍ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે ગરમી વધતા એ.સી.,પંખાનો વપરાશ વધવા લાગ્યો છે અને વિજમાંગમાં વધારો થઈ રહ્યો છે તો લોકોના ખાણીપીણીમાં  પણ પરિવર્તન જોવા મળ્યું છે. ગરમવસ્ત્રો ગાયબ થઈ ગયા છે. જો કે હજુ પશ્ચિમી પવનો શરુ થયા નથી, રાજ્યમાં એકંદરે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન રહ્યો છે અને હવે હવામાન સુકુ અને ગરમ રહેવા આગાહી છે માર્ચના આરંભે જ તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઉનાળો આ વર્ષે વધુ આકરો રહેવાનું અનુમાન થઈ રહ્યું છે.