ઘાંઘળી અને આજુબાજુ વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી વકરી, લોકો હવે જાગૃત થયા, ગઇકાલે ભંગડશાહપીર નજીક જેસીબી અને વાહનો સાથે ખનીજચોરી થતી હતી તે વેળાએ લોકોએ હલ્લાબોલ કર્યો અને કામને અટકાવી દીધું

ધવલ રાઠોડ
સિહોર અને વલ્લભીપુર આજુબાજુ વિસ્તારોની જમીનમાં ખનીજ સંપદા મોટા પ્રમાણમાં ધરબાયેલી છે. અહીં ખનીજ માફિયાઓ દ્વારા ખનિજ તત્વોનું બેફામ ખનન કરી લાખો કરોડો રૂપિયા રળી રહ્યા છે. અને સરકારી તીજોરીને નુકસાન પહોંચી રહ્યુ છે. ખનીજ માફિયાઓ અને માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરાતી હોવાની બુમરાડો ઉઠી છે. અંગે અનેક રજૂઆતો છતા કોઇ પગલા લેવાતા નથી સિહોર તાલુકામાં ખાણ ખનીજ તંત્રની મીઠી મહેરબાનીથી ખનીજમાફિયાઓ વકરી ગયા છે. ઘાંઘળી ગામના લોકો ખનીજ ચોરી અટકાવવા માટે પોતે મેદાને પડ્યા છે ગઇકાલે રાત્રીના સમયે સિહોરના ઘાંઘળી નજીક આવેલ ભંગડશાહપીર દરગાહ પાસે ગ્રામજનોએ ગૌચર જમીનમાં થતી ખનિજચોરીને અટકાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ચર્ચાઓ મુજબ ગૌચર જમીનમાં ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગ કે રેવન્યુ વિભાગ કોઈ જ પગલા ન લેતા આખરે ઘાંઘળી ગ્રામજનોમાં લોકપ્રકોપ ફાટી નીકળ્યો છે ગઇકાલે ખનીજચોરી જનતા રેડ પાડતા લોકોનો ગુસ્સો જોઈએ ખનીજ માફિયાઓ મેદાન છોડીને નાસી છુટયા હોવાની ચર્ચાઓ ચાલી છે ઘાંઘળી સહિત આજુબાજુ ગામોમાં મોટા પાયે માટી અને રેતીનુુ ગેરકાયદે ખનન થાય છે. અને ખનીજ ચોરીની માટીના મહાકાય ડમ્પરો સતત દોડતા રહે છે જે મામલે તંત્ર આંખ મીચામણા કરી રહ્યું છે પર્યાવરણને નુકસાન થાય એવી રીતે બેફામ ખનીજ ખોદવામાં આવે છે આ ઉપરાંત ભારે ઓવરલોડ વાહનો અને તેમજ બેફામ સ્પીડથી વાહનો દોડી રહ્યા છે ત્યારે ગઇકાલે ભંગડશાહપીર દરગાહ પાસે ગ્રામજનોએ ગૌચર જમીનમાં થતી ખનિજચોરી પર હલ્લાબોલ સાથે જનતા રેડ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.