માતેલા સાંઢની જેમ દંપતી પર ડમ્પર ફરી વળ્યું, પુત્રની નજર સામે માતા પિતા બન્નેએ જીવ ખોયો, ત્રણ વર્ષ પુત્ર શિવાંગનો આબાદ બચાવ, દડવા મંદિરે દર્શન કરવા જતી વેળાએ ઘટના ઘટી, ચોમેર અરેરાટી

હરિશ પવાર
સિહોરના ઘાંઘળી રોડ પર આજે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર દંપતીના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે તેની સાથે રહેલા 3 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે સુરતથી સિહોરના જાંબાળા ગામે પ્રસંગમાં આવેલું દંપતી સંબંધીની બાઇક લઈ દર્શન માટે રાંદલ ના દડવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ઘાંઘળી પાસેના રાઘવ પેટ્રોલપંપ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં માર્ગ પરથી પસાર થતા એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા

ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે રહેલ 3 વર્ષના બાળકનો બચાવ થયો હતો.આ બનાવમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ વલ્લભીપુર-ઘાંઘળી રોડ પર ખનીજ ચોરી કરી ને જતા ટ્રકો બેફામ અને બેરોકટોક ચાલી રહ્યા છે.જેને લઈ આવી ઘટનાઓ સર્જાય છે.જેમાં આજે પણ જે ઘટના બની છે તેમાં મૃતક દંપતી મૂળ અમરેલી ના સાંગાદેરી ગામના અને હાલ સુરત કતારગામ ખાતે રહેતા અને સિહોરના જાંબાળા ગામે કોઈ પ્રસંગમાં આવ્યા હોય.

પ્રસંગ પતાવી સંબંધી ની બાઇક લઇ રાંદલ ના દડવા ગામે દર્શન માટે જતા હોય ત્યારે ઘાંઘળી રોડ પરથી પસાર થતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પર ખનીજ ચોરી કરી ને બેફામ ચાલતા ડમ્પરો માંથી રેતી અને ઝીણી કાંકરીઓ જે માર્ગ પર ઢોળાઈ રહી છે જેને લઈ બાઇક સ્લીપ થયું હોય અને તે જ સમયે ત્યાંથી પસાર થતા ટ્રકે આ દંપતી ને અડફેટે લીધું હતું જેમાં ભદ્રેશભાઈ સુરેશભાઈ કમાણી : ઉ..૩૦ તેમજ તેના પત્ની પાયલબેન ભદ્રેશભાઈ કમાણી ઉ..૨૮ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

જ્યારે સાથે રહેલ ત્રણ વર્ષીય શિવાંગ નામના બાળકને સામાન્ય માથાના ભાગે ઇજા થઇ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.આ બનાવને પગલે તાકીદે સિહોર પોલીસ ત્યાં પહોંચી હતી અને સૌ પ્રથમ ઘવાયેલા શિવાંગ ને પોલીસ કાર માં જ સારવાર માટે લઈ ગયા હતા.જ્યારે બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ દંપતીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા આ બનાવમાં મોત ને ભેટનાર દંપતી એ લવ મેરેજ કર્યા હતા ત્યારે સાથે જીવવા સાતફેરા ના બંધનમાં બંધાયેલા દંપતીના એક સાથે અકસ્માત માં મોતની ઘટનાથી બંને પરિવાર પર વજ્રઘાત પડ્યો હતો અને અરેરાટી વ્યાપી ગઈ છે


ઘટનામાં પોલીસની માનવતા

આજે સવારે ઘાંઘળી નજીક બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ સિહોર પોલીસને થઈ હતી પીઆઇ કે ડી ગોહિલ અને સ્ટાફ તુરંત બનાવ સ્થળે દોડી ગયા હતા સ્થળ પર પોહચી બનાવની ગંભીરતા સમજી ત્રણ વર્ષ બાળક શિવાંગને પોલીસની પીસીઆરમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ તેઓને તાત્કાલિક સારવાર અપાવી હતી બનાવમાં શિવાંગનો આબાદ બચાવ થયો છે

બેફામ ચાલતા ટ્રકોની રોક જરૂરી

ઘાંઘળીથી વલ્લભીપુરના માર્ગે કેટલાક ખનીજ માફિયાઓ તો તંત્રની છત્ર છાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા છે ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી થઈ રહી છે જેમાં ટ્રક-ડમ્પર પર ઓવરલોડ કે પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરી રહ્યા છે જે હાઇવે પર બેફામ દોડી રહ્યા છે જેની રોક હવે જરૂરી છે