શાક,જયુશ, ચટણી અને મુરબ્બા માટે મહત્તમ વપરાશ, સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ જમરૂખનું સ્વાદના શોખીનોને વિશેષ આકર્ષણ


બ્રિજેશ ગોસ્વામી
સિહોર : આરોગ્ય માટે સર્વોત્તમ ગણાતી શિયાળાની ઋુતુ જામતા સિહોર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડ તેમજ શાકમાર્કેટમાં જમરૂખની ધૂમ આવક થઈ રહી છે. તાજેતરમાં હવામાનમાં પલટો અને કમોસમી વરસાદ વરસતા સ્વાસ્થ્યવર્ધક લીલા શાકભાજીના ભાવ સડસડાટ રીતે આકાશમાં આંબતા શાકના વિકલ્પમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ જમરૂખના શાક તરફ વળ્યા હોય જમરૂખના વેચાણમાં વૃધ્ધિ નોંધાઈ રહી છે સિહોર તાલુકાના આજુબાજુના ગામો વરતેજ, કરદેજ, ઉંડવી, સોડવદરા, ઘાંઘળી, આંબલા, સોનગઢ,  તરશિંગડા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મીઠામધ જમરૂખનું પ્રતિ વર્ષ મબલખ વાવેતર થાય છે.

ત્યાંથી નીયમીતપણે માલવાહક વાહનોમાં જમરૂખ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ઢગલામોઢે આવી રહ્યા છે. આ ઉપરાંત બોટાદ અને પાલિતાણા પંથકના વેપારીઓ પણ દલાલ મારફત અને ડાયરેકટ ખેડૂતો દ્વારા જમરૂખ બજારોમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જમરૂખના હોલસેલ અને રિટેઈલ ભાવ તેની રોજીંદી આવક પર નિર્ભર રહે છે. જેમાં હોલસેલના ભાવ તેની સાઈઝ અને ગુણવત્તા મુજબ રૂા ૩૦ થી ૯૦ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

શિયાળાના કારણે હાલ કેટલાક લીલા શાકભાજીના ભાવ પ્રમાણમાં વધારે હોય મધ્યમવર્ગીય ગૃહિણીઓ જમરૂખના શાક બનાવીને રોડવી રહી છે. એટલુ જ નહિ જમરૂખની ચટણી, જામફળનો મુરબ્બો તેમજ ટેસ્ટી જયુશ માટે પણ જમરૂખનો સારો એવો ઉપાડ જોવા મળે છે.બજારમાં જમરૂખની ચટણી, જયુશ અને મુરબ્બાના ઉત્પાદન માટે ઘરઘરાઉ ગૃહ ઉદ્યોગ પણ ધમધમી રહ્યા છે.  આગામી દિવસોમાં જમરૂખની આવક વધશે તો તેના ભાવ હજુ પણ નીચા આવશે.

મીઠામધ સ્વાદ અને અલગ જ સુગંધ અને આરોગ્ય માટે સર્વોત્તમ ગણાતા લાલ જમરૂખની સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પણ સારી એવી ડિમાન્ડ છે. ગળપણ, ખટાશ અને તુરાસનો સુગમ સમન્વય ધરાવતા જમરૂખ બે પ્રકારના મળે છે સફેદ કરતા લાલચટ્ટાક જમરૂખની સ્વાદના શોખીનોને વિશેષ આકર્ષણ રહે છે.એટલુ જ નહિ દેશ-વિદેશમાંથી અત્રે આવનારાઓ ફળફળાદીમાં ભાવનગરના જમરૂખ અચૂક સાથે લેતા જવાનું ચૂકતા નથી. દેવદિવાળી આસપાસથી જ બજારમાં જમરૂખની આવક શરૂ થઈ જાય છે અને તે છેક આગામી પોષ માસ સુધી શરૂ રહેતી હોય છે.