ગત બે વર્ષ કોરોનાના લીધે હોળીની ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો, હોળીના પ્રાગટય સાથે હોળાષ્ટકનું સમાપન થતા માંગલિક કાર્યોનો ધમધમાટ વધશે


દેવરાજ બુધેલિયા
બે વર્ષના વિરામ બાદ કોરોનાની મહામારી હળવી થતા અનન્ય ઉમંગ અને આસ્થા સાથે ગુરૂવારે સિહોર શહેર અને તાલુકાભરમાં ઠેર ઠેર હોળીકાનું પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. હોલિકોત્સવને લઈને શેરી મહોલ્લાઓના સાર્વજનિક ગ્રાઉન્ડમાં છાણાઓની કલાત્મક ગોઠવણી કરી ધજા પતાકા, પતંગના સુશોભન કરાયા હતા. આવતી કાલે પચરંગી ધૂળેટીના પર્વે લોકો એક બીજાને રંગે રમવા સજજ બન્યા છે.

હોળીના તહેવારના સમાપન સાથે હોળાષ્ટક સમાપ્ત થતા આજથી ચોમેર માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.  તિથિની વિસંગતતા વચ્ચે ગઇકાલે ગુરૂવારે હોળીના મહાલોકપર્વે ચોતરફ હોલીકાનું વિધિવત પ્રાગટય કરવામાં આવ્યુ હતુ.અત્રે એ ઉલ્લેખનીય છે કે,કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં ઉજવણી સાથે ગોહિલવાડમાં ફકત દર્શન અને પૂજાની ખાસ વ્યવસ્થા સાથે સાદગીપૂર્વક હોલિકા દહન કરાતુ હતુ અને મેળાવડાઓ બંધ રહ્યા હતા. જયારે હવે કોરોના હળવો થતા બે વર્ષ બાદ ફરી ધામધૂમથી હોળી પર્વની ઉજવણી થઈ હતી.

ગઇકાલે શહેર અને તાલુકાભરમાં સમી સાંજના અરસામાં શુભમુર્હૂતે પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવાઈ હતી. હોળીકાના દર્શન માટે સ્થાનિક આબાલવૃધ્ધ રહિશો સપરિવાર ઉમટી પડયા હતા. હોળીના સ્થળે દર્શનાર્થીઓની ભીડ એકત્ર ન થાય તે માટે દર્શનાર્થીઓને વારાફરતી આવવા દેવામાં આવ્યા હતા.હોળીના પર્વે અનેક પરિવારોના વડીલોે પોતાના કુટુંબમાં સુખશાંતિ, આરોગ્ય અને સમૃધ્ધિની પ્રાર્થનારૂપે સુર્યોદયથી સૂર્યાસ્ત સુધી હોળીભુખ્યા રહ્યા હતા.

તેઓએ ધાણી,દાળીયા અને ખજુર અને ટાઢુ ભોજન લઈને હોળી પ્રાગટય સુધી ઉપવાસ કર્યા હતા.સૂર્યાસ્ત વેળા હોળી પ્રાગટયના દર્શન કરી તેને નાળિયેર અર્પણ કરી વધામણા કરાયા હતા. પાણીની ધાર કરતા ગૃહિણીઓએ હોળીમાતા (અગ્નિ)ની પ્રદક્ષિણા કરી પૂજન અર્ચન કર્યુ હતુ. હોળીદર્શન બાદ વડીલોએ સમુહભોજન કર્યુ હતુ. હોળીના પ્રાગટય સાથે હોળાષ્ટકનું પણ સમાપન થયુ હતુ.જેના પગલે હવે વાસ્તુ, લગ્ન, સગાઈ, જમીન અને મકાનની ખરીદી સહિતના માંગલિક કાર્યોનો શુભારંભ થશે