‘કાય પો છે..’ ‘ઢીલ દે.. ઢીલ દે..’ની ચીચીયારીઓ ગુંજશે : આગાસી-ધાબે જામશે પારિવારિક મેળાવડા : ઉંધીયુ, ચીકી, શેરડીની મોજ વચ્‍ચે મનાવાશે ઉતરાયણ : જીવદયાપ્રેમીઓ પૂણ્‍યનું ભાથુ બાંધશે : ગૌશાળાઓ દ્વારા દાન માટે છાવણીઓ ગોઠવાઇ : સરકારી ગાઇડ લાઇન મુજબ અગાસી પર ટોળા ભેગા કરવા પર અને મ્‍યુઝીક સીસ્‍ટમના ઘોંઘાટ પર પાબંધી છે : થોડી સંયમતા સાથે ઉજવાશે આ વર્ષનો પતંગોત્‍સવ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર : આવતીકાલે તા. ૧૪ ના મકર સંક્રાંતિનું પર્વ છે. પતંગ રસીયાઓમાં અનેરો ઉમંગ છવાયો છે. કાલે અગાસી અને ધાબાઓ પર પારિવારિક મેળાવડા જામશે. ‘કાયપો છે.. ઢીલ દે ઢીલ દે’ ની ચીચીયારીઓ ગુંજશે. આકાશ રંગ બેરંગી પતંગોથી છવાય જશે. સુર્યના મકર રાશીમાં પ્રવેશની ઘડી એટલે મકર સંક્રાંત!  તીથી જોયા વગર દર વર્ષે ૧૪ મી જાન્‍યુઆરીના દિવસે મકર સંક્રાંત ઉજવવાનું ફિકસ જ હોય છે.

આ દિવસને પતંગ પર્વ અને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે પતંગ ઉત્‍સવ થોડો ફીકકો રહે છે.  આ વર્ષે પણ જાહેર થયેલ સરકારી ગાઇડ લાઇન મુજબ અગાસી ઉપર ટોળા ભેગા કરવા કે મ્‍યુઝીક સીસ્‍ટમનો શોર બકોર કરવા પર પાબંધી ફરમાવવામાં આવી છે. એટલે થોડા નિયમ પાલનમાં રહીને આ વષે સંક્રાંત પર્વ મનાવવાનું રહેશે. આમેય પતંગ અને દોરાના ભાવોમાં મોંઘવારી નડી જતા તેની અસર પણ છેલ્લા એક બે વર્ષથી જણાઇ રહી છે.

તેમ છતા પતંગના રસીયાઓ તો બધી જ ઉપાધીઓને હડસેલીને પતંગ ઉડાડવાનો આનંદ લુંટવાના લુંટવાના ને લુટવાના જ! સાથે સાથે આ પર્વે દાન પૂણ્‍યનું પણ એટલુ જ મહત્‍વ હોય લોકો યથા શક્‍તિ દાન પૂણ્‍યનો લ્‍હાવો પણ લેશે. કોઇ વષા દાન તો કોઇ ધાનનું દાન કરશે. તો કોઇ રોકડ સ્‍વરૂપે દાન કરશે. ગૌ શાળાઓ દ્વારા પણ દાન સ્‍વીકારવા મંડપની છાવણીઓ ગોઠવી દેવામાં આવી છે. લીલો અને સુકો ચારરો સ્‍વીકારવા માટે પણ અલાયદી વ્‍યવસ્‍થાઓ થઇ છે