મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ ન કાઢવા સિહોર પોલીસની જાહેર જનતાને અપીલ

હરિશ પવાર
સિહોર પંથકના ગામો વિસ્તારોમાં લોકશાહીનું પર્વ એવી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ગઈકાલે સંપન્ન થયેલ જે મતદાન દરમ્યાન તાલુકાના નાગરિકોએ ઉત્સાહ અને શાંતિપૂર્વક રીતે ભાગ લીધેલ છે. જેને લઇને આપણે કોઇ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. જે બદલ તમામ જનતાનો ભાવનગર જિલ્લા પોલીસ હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરે છે. આવતીકાલે ગ્રામ પંચાયત ચુંટણીની મતગણતરી થનાર છે. આ મતગણતરીનાં પરીણામ જાહેર થયા બાદ સામાન્ય રીતે વિજેતા ઉમેદવારો દ્વારા તેમના સમર્થકો સાથે વિજય સરઘસ કાઢવામાં આવતા હોય છે.હાલમાં દેશ અને રાજ્યમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી હજુ પણ સક્રીય છે તેમજ ઓમિક્રોન વાઇરસ પણ ઝડપથી ફેલાય રહેલ હોય

જેને ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે. જો વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવે તો વિજય સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું શક્ય નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કોરોના તેમજ ઓમિક્રોન વાઇરસ ફેલાવાની શક્યતા નકારી શકાય તેમ ન હોય તેમજ વિજેતા અને પરાજીત થયેલા ઉમેદવારો અને સમર્થકો વચ્ચે વૈમનસ્ય ફેલાવાની તેમજ ઘર્ષણ થવાની શક્યતા ધ્યાને લેતાં જાહેર જનતાની સલામતી માટે તેમજ આપના સ્વાસ્થ્ય અને સલામતી માટે વિજય સરઘસ ન કાઢવા/માણસો એકઠા ન કરવાં અને લોકશાહીના પર્વની સાચી ઉજવણી શાંતિપૂર્વક થાય તે માટે સિહોર પોલીસે સર્વે નાગરિકો તેમજ ઉમેદવારોને નમ્ર અપીલ કરી છે.