ચૂંટણીના 1 દિવસ અગાઉ આચારસંહિતાના પગલે પ્રચાર બંધ કરવો પડશે, ગામડાઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત,

બ્રિજેશ ગોસ્વામી
ગ્રામ પંચાયતની ચૂંટણી આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે પરંતુ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવા માટે ઉમેદવારો પાસે એક જ દિવસ રહ્યો છે. આજે શુક્રવાર સાંજે પ્રચારના પડઘમ શાંત થયા છે હવે જોરશોરથી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણીના એક દિવસ અગાઉ આચારસંહિતાના પગલે પ્રચાર બંધ કરવો પડતો હોય છે. અંતિમ દિવસોમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે અને ચૂંટણી જીતવા સરપંચ તેમજ વોર્ડ સભ્યના ઉમેદવારો મહેનત કરી રહ્યા છે.

રવિવારે સિહોર સહિત ભાવનગર જિલ્લામાં સામાન્ય, પેટા અને મધ્યસત્ર મળી કુલ ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે રવિવારે સવારે ૭ થી સાંજના ૬ કલાક દરમિયાન ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ છે. ચૂંટણીમાં આચારસંહિતાના પગલે ચૂંટણીના એક દિવસ અગાઉ જોરશોરથી પ્રચાર બંધ કરવાનો હોય છે.

આ ચૂંટણીમાં આચારસંહિતના પગલે આજે શુક્રવારે સાંજના સમયે પ્રચાર કાર્ય બંધ થયું છે આચારસંહિતા બાદ હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે બંધ બારણે બેઠકો થશે તેમ ચર્ચાય રહ્યુ છે. જિલ્લામાં આશરે ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં થશે, જેમાં રરર સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે. ભાવનગર જિલ્લામાં આશરે ૪,૧૪ર ઉમેદવાર ચૂંટણી લડશે.

જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે ૪,૦૪૪ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે, જેમાં સરપંચ પદના પ૮પ અને વોર્ડ સભ્ય પદના ૩,૪પ૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં પ૧ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જેમાં સરપંચ પદના ૪પ અને વોર્ડ સભ્ય પદના ૬ ઉમેદવારનો સમાવેશ થાય છે. મધ્યસત્ર ચૂંટણીમાં ૪૭ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ રહેશે, જેમાં સરપંચ પદના ૭ અને વોર્ડ સભ્પ પદના ૪૦ ઉમેદવારનો સમાવેશ થાય છે. ચૂંટણીના પગલે ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે.