સિહોર સાથે જિલ્લા અને રાજ્યમાં સ્કૂલોમાં ધો-1થી 9ના ઓફલાઇન ક્લાસ આજથી શરૂ

પહેલા દિવસે પાંખી હાજરી, વિદ્યાર્થિનીએ કહ્યું સ્કૂલ શરૂ થતાં અમે સારૂ શિક્ષણ મેળવી શકીશું, સરકારે મંજૂરી આપતા આજથી સિહોરની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, તમામ સ્કૂલોમાં આજથી ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ છે

દેવરાજ બુધેલીયા
છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે શિક્ષણ કાર્ય ટલ્લે ચડયુ છે. થોડો સમય શિક્ષણ કાર્ય બંધ રહ્યુ ને પછી ઓનલાઇન ચાલુ થયુ, ફરી શાળાઓ ખુલી અને ફરી બંધ થઇ. આવા ખુલ બંધના ચડાવ ઉતાર વચ્‍ચે ઝોલા ખાતી શિક્ષણની ગાડી ફરી પાટે ચડવા માટે આજથી રાબેતા મુજબ થવા જઇ રહી છે. ધો.૧ થી ૯ માટે આજથી ઓફલાઇન રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ થઇ ચુકયુ છે જોકે મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી બીજો બાજુ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

કારણકે વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અભ્યાસથી કંટાળી ગયા છે મોટાભાગના વિધાર્થીઓનું કહેવું છે કે અમને ઓનલાઈન શિક્ષણમાં તકલીફ પડતી હતી. હવે ઓફલાઇન સ્કૂલ શરૂ થતાં અમે સારૂ શિક્ષણ મેળવી શકીશું. પરીક્ષાની પણ સારી તૈયારી કરી શકીશું. સરકારી અર્ધ સરકારી સ્કૂલો આજે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી હતી. સ્કૂલ સંચાલકો દ્વારા કોરોના અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું અને સ્કૂલોમા વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવવા માટે જણાવવામાં આવ્યું હતું.