ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા : પણ છે આ બધુ સિહોર પંથકના માર્ગોમાં, ટાણા બુઢણા રંડોળા માર્ગે ખાડાઓનું છે સામ્રાજ્ય

હરિશ પવાર
સિહોર શહેર અને તાલુકાના વિસ્તારના કેટલાક માર્ગોની દશા હવે બેદશા બની છે ખાસ કરીને ટાણા બુઢણા રંડોળા માર્ગે લોકો વાહન લઇને નીકળે અને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે ત્યાં સુધીમાં વાહન ચલાવતી વખતે સતત ખાડામાં પડી જવાના ડરમાં તનાવમાં રહે છે. શહેરની સ્થિતિ એવી છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે તેની સમજ જ પડતી નથી ટાણા બુઢણા રંડોળા માર્ગે ઉબડ ખબાડ હાલતમાં ફેરવાય ગયો છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે માર્ગ અતિ બિસમાર હાલતમાં ફેરવાઈ જતા નાના-મોટા અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે.

છતાં જવાબદાર તંત્ર દ્વારા પેટનું પાણી પણ હાલતું ન હોવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયેલો છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નવો માર્ગ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે અહીં વાહનચાલકો જીવન જોખમે પસાર થાય છે આ માર્ગ ઘણા સમયથી ખખડધજ થઇ ગયો હોવાથી રોડ પરથી પસાર થતા નાના-મોટા વાહનો હલક-ડોલક થાય છે. જો વાહન ચાલકો દ્વારા વાહન ચલાવવામાં જરા પણ ભૂલ થઇ જાય તો અકસ્માતનો ભોગ બની શકે છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા આ રોડ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.