ગુજરાતમાં ઓછો પુરવઠો હોવાથી કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી : કમોસમી વરસાદના લીધે કડી, મહેસાણા, કલોલ અને ગાંધીનગરમાં ટામેટાના પાકને નુકસાન

દેવરાજ બુધેલિયા
સિહોર : શિયાળામાં આમ તો ટામેટા, ડુંગળ તેમજ અન્ય લીલા શાકભાજીના ભાવ સાવ ઓછા હોય છે. જો કે, આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઓછામાં ઓછા એક મહિનાથી રિટેલ માર્કેટમાં એક કિલો ટામેટાનો ભાવ ૮૦ રૂપિયા છે અને શહેરના અમુક વિસ્તારોમાં ભાવ વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

‘કમોસમી વરસાદ અને ગુજરાતમાં પુરવઠો ઓછો હોવાના કારણે કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી કરવાની ફરજ પડી છે. આ રાજયોમાં પણ તાજેતરમાં ચક્રવાતની સ્થિતિના કારણે ભારે વરસાદ થયો હતો. જેના પરિણામે પાક નિષ્ફળ ગયો હતો. તેથી, આ પ્રદેશોમાં પણ ટામેટાંના ભાવમાં ધરખમ વધારો થયો છે. વધુ માગ અને ઓછા પુરવઠાના કારણે એકંદરે ભાવ વધ્યા છે’, ટામેટાના વધેલા ભાવથી રેસ્ટોરાંના માલિકો પણ પરેશાન છે. કારણ કે, કરી, ગ્રેવી, સૂપ, સલાડ તેમજ ભારતીય સિવાય ઈન્ટરનેશનલ એમ બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે ટામેટાં એ મુખ્ય સામગ્રી છે.