સિહોરના વરલ ગામની સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પીડા વધી અને રસ્તા વચાળે 108 ને રોકી દેવાઇ : માતાએ 108 માં બાળકને જન્મ આપ્યો : માતા બાળક બન્ને સુરક્ષિત

સલિમ બરફવાળા
રાજ્યની 108 એમ્બ્યુલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે એકવાર ફરીથી સિહોરના ટાણા લોકેશનની 108 મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક પ્રસૂતાની હાલત ખરાબ થતા EMT એ રસ્તા પર જ એમ્બ્યુલન્સ રોકી આ મહિલાની સફળ ડિલેવરી કરાવી હતી. અને બાદમાં માતા-બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ સિહોરના વરલ ગામે એક સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી.

જેથી108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા ટાણા ગામની 108 તાબડતોડ વરલ ગામે પહોચી હતી. અને મહિલાને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. દરમિયાન મહિલાને વધું દુઃખાવો થતા તેઓની પ્રસુતિ રસ્તા વચાળે 108 માં કરાવવાની ફરજ પડી હતી રસ્તાની વચાળે ડિલેવરી કઠિન તો હતી. પરંતુ છતાં EMT ઇકબાલ પરમાર અને પાઇલોટ રાજુભાઈ બારૈયાએ ટાણાના મુખ્ય માર્ગ ઉપર એમ્બ્યુલન્સને રોકી સાવધાની પૂર્વક અને સમયસર સારવાર કરી નોર્મલ પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો હતો. અને બાદમાં બંનેને સિહોર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જેને લઈને મહિલા અને તેમના પરિવાર દ્વારા 108ની ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.