12 જાન્યુઆરી, ‘વિશ્વ યુવા દિવસ’ યુવા પેઢી, આધુનિક પેઢી એ દરેક સમસ્યાનો સામનો સિંહની જેમ કરશે એવી મારી શ્રદ્ધા છે : સ્વામી વિવેકાનંદ 

સલીમ બરફવાળા
દર વર્ષે સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસને ‘યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે યુવાનોનાં એક આદર્શ એવા સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક, આથકથી લઇને રાજકીય મુદ્દાઓ પર યુવાનોની ભાગેદારી અને તેમના વિચારો પર ચર્ચા કરવાનો છે. દેશની સફળતાનો આધાર ત્યાં વસતા લોકો પર હોય છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની વસ્તીમાં યુવાનો વસતા હોય,

જે દેશ પાસે કાર્યક્ષમ કર્મચારી તરીકે યુવાધન હોય ત્યારે આ દિવસથી વધુ મહત્વનું તો બીજું શું હોય શકે ? આ દિવસે યુવા-આગેવાની હેઠળની સંસ્થાઓ, સરકારો, યુવાનો અને અન્ય લોકો કે જે શિક્ષણમાં પરિવર્તન લાવવા અને વિશ્વવ્યાપી યુવાનોને ઉત્થાન અપાવવા માટે કામ કરી રહ્યા છે તેની ઉજવણી કરે છે. યુવા દિવસ એ યુવાનોને સમાવતા સાંસ્કૃતિક અને કાનૂની મુદ્દાઓને સ્થાપિત કરવા માટે બનાવવામાં આવેલ એક જાગૃતિ દિવસ છે. વર્તમાન સંજોગો જોતા રાજનીતિમાં યુવાનોનું જોડાણ કરવું ખુબ જરૂરી છે, જેનાથી ભવિષ્ય માટેની સારી અને દુર્ગામી નીતિઓ ઘડી શકાય.

આ જોડાણ થી યુવાનોમાં એક વિશ્વાસ અને દેશ માટે કંઈક કાર્ય કરવા માટેનાં ઉત્સાહને પ્રજ્વલિત કરવામાં ફાળો આપી શકાય છે. વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચર્ચાઓ, પ્રદર્શનો, મેળાઓ, પરિષદો અને અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓ વગેરેનું આયોજન કરીને સામાજિક જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વનો દિવસ છે. આજનાં સમયમાં કેટલાક વિકસિત દેશો પોતાનાં યુવાધનને આધુનિકતાની છબી બતાવતા ગેર માર્ગે પણ દોરી જાય છે. યુવાધનને પોતાના પ્રચારનાં માધ્યમ તરીકે વાપરવું એ આવનાર ભવિષ્યમાં વિશ્વનાં અન્ય દેશો સાથે હરીફાઈમાં ટકી રહેવા માં એક મોટી મુસીબત સમાન છે. આજનું યુવાધન પણ પોતાની વિચાર શક્તિને સમજવાને બદલે કેટલાક અંશે દેખાડાની વિચારધારાને અનુસરી રહ્યું છે.

‘રીયલ લાઈફ’ અને ‘રીલ લાઈફ’ એનું જ પરિણામ છે. જયારે કોઈ આગવું સ્થાન ધરાવતી યુવા વ્યક્તિ જે પગલું ભરે છે તેને અનુસરવા માટે બીજા પ્રયત્નો કરતા થઇ જાય છે, જે કેટલાક સારા પરિણામ પણ આપે અને ખોટા પરિણામ પણ આપે છે. આજનાં યુવાધન માટે સહનશક્તિ એ ક્યાંક ઓછી થતી જણાઈ રહી છે, નાની વાત માં મોટા પગલાં ભરવા, જેનાથી તે પોતાને નુકશાન પહોંચાડી રહ્યા છે. યુવાધનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દરેક દેશ પ્રગતિનાં પંથ પર આગળ આવી શકે છે. ઘણા દેશમાં યુવાઓ માટે અલગથી યોગ્યતા મુજબની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેથી યુવામાં રહેલ ખૂબીને જાગૃત કરવી સરળ બની રહે છે. યુવા પેઢી, આધુનિક પેઢી એ દરેક સમસ્યાનો સામનો સિંહની જેમ કરશે એવી મારી શ્રદ્ધા છે : સ્વામી વિવેકાનંદ