પોલીસ બંદોબસ્ત ફાળવાયો

રાત્રીના 1 થી 1.30 કલાકના અરસામાં આવ્યા હતા, તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

હરિશ પવાર
તળાજા તાલુકાના ભદ્રાવળ-2 ગામે બુધવારે મોડી રાત્રીના ગામમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કર્યાંની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ભદ્રાવળ-2 ગામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગત બુધવારની મોડી રાત્રીના 1 થી 1.30 કલાકના અરસામાં એક બાઈક અને સફેદ કલરની કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ પથ્થરોથી ખંડિત કરી હતી. જે અંગે ભદ્રાવળ-2 ગામના સરપંચ દાનજીભાઈ દેવજીભાઈ પરમારે તળાજા પોલીસ મથકમાં આવા અસામાજીક ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. સ્થાનિકો પાસેથી મળતી વિગતો પ્રમાણે પોલીસે આ મામલે ગામના જ શંકાસ્પદ 3 ઈસમોની પુછપરછ શરૂ કરી છે હોવાનું જાણવા મળ્યું છે. જોકે સત્તાવાર રીતે આ મામલે હજુ સુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી. ગામના તથા આજુબાજુના ગામના સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ તપાસ કરી રહી છે અને સીસીટીવી કેમેરામાં આ વાહનો કેદ થયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દીધો છે.