કોરોનાની ત્રીજી લહેરના પગલે ઓછા વ્યકિતઓની હાજરીમાં જિલ્લાકક્ષાની ઉજવણીની શકયતા , તળાજાની આઈટીઆઈ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીની વિચારણા : કોરોનાના નિયમ સાથે ધ્વજવંદન, પોલીસ પરેડ, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમનુ આયોજન 


હરિશ પવાર
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની પસંદગી કરવામાં આવી છે. તળાજા તાલુકા ખાતે આગામી દિવસોમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનના કાર્યક્રમના પગલે થોડા દિવસમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે અને ત્યારબાદ તૈયારીનો ધમધમાટ શરૂ થશે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આગામી તા. ર૬ જાન્યુઆરીને બુધવારે કરવામાં આવશે. જિલ્લાકક્ષાની ઉજવણી માટે રાજ્ય સરકારમાંથી તળાજા તાલુકાનુ નામ નક્કી થઈને આવ્યુ છે. તળાજા શહેરની આઈટીઆઈના મેદાન ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાની વિચારણા ચાલી રહી છે તેમ સુત્રોએ જણાવેલ છે.

ગત વર્ષે શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ડીએસપી કચેરીની પાછળ પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર સહિત ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સાદગીથી કરવામાં આવશે તેવી શકયતા છે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ આશરે ૪૦૦ વ્યકિતની મર્યાદામાં થશે તેવી શકયતા છે. કોરોનાના કારણે વધુ વ્યકિત હાજર રહી શકશે નહી. આ માટેની ગાઈડલાઈન સરકારમાંથી આવશે અને આ ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાશે.

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમ થશે. ગુજરાત રાજ્યના મંત્રીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે પરંતુ મંત્રીનુ નામ હજુ નક્કી થઈને આવ્યુ નથી. આ કાર્યક્રમ માટેની હાલ પ્રાથમીક તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનુ જાણવા મળેલ છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહેશે. શહેર-જિલ્લામાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે પરંતુ તેમાં નિયમનુ પાલન કરવુ પડશે અને ઓછા સભ્યોની હાજરીમાં ધ્વજવંદન કરી શકાશે તેમ ચર્ચાય રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે ખાસ કાર્યક્રમો રાખવામાં આવતા નથી.