3 કલાકમાં 6 બસ નીકળે છે છતાં ડ્રાઈવર-કંડક્ટર બસ ઉભી રાખતા ન હોવાનો કકળાટ, છાશવારે અણછાજતું વર્તન થતું હોવાની રાવ સાથે સ્કૂલની વિદ્યાર્થિનીઓ રજૂઆત માટે દોડી ગઈ

બ્રિજેશ ગોસ્વામી
તળાજા પંથકમાં એસ.ટી. બસ ઉભી રાખવામાં ડ્રાઈવર-કંડક્ટર મનમાની ચલાવી રહ્યા હોવાને કારણે શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પરેશાન થઈ ગયા છે. એસ.ટી.ના કર્મચારીઓ વિદ્યાર્થિનીઓ સાથે પણ અણછાજતી ભાષામાં વર્તન કરતા હોવાની રાવ ઉઠતા છાત્રાઓ રજૂઆત કરવા દોડી આવી હતી. વેળાવદર ગામની વિદ્યાર્થિનીઓએ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે, તેઓ સ્કૂલ જવા માટે સવારે ૮ વાગ્યાના એસ.ટી. બસની રાહે ઉભે છે.

૧૧ વાગ્યે સ્કૂલ શરૂ થાય ત્યાં સુધીમાં છ-છ બસ નીકળતી હોવા છતાં પણ એકેય બસને ઉભી રાખવામાં આવતી નથી. વળી, ડ્રાઈવર-કંડક્ટર દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે. બસ ઉભી ન રખાતા વિદ્યાર્થિનીઓ સમયસર સ્કૂલે જઈ શકતી નથી. જેના કારણે અભ્યાસ ઉપર તેની વિપરીત અસર થાય છે.

જો આ બન્ને પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થિનીઓની રજૂઆતની સામે તળાજા એસ.ટી. ડેપો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં વેળાવદર ગામેથી નેશનલ હાઈવે નીકળતો હોય, અહીં ઓવરબ્રિજ ન બનતા એસ.ટી. બસ ચલાવવા માટે રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે બસ લઈ જઈ શકાતી નથી.

તો વિદ્યાર્થીઓ એક જ સમયે એક જ બસમાં આવવાનો આગ્રહ રાખતા હોવાનું જણાવાયું છે. જે વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. કારણ કે સ્કૂલનો સમય એક જ હોય તો વિદ્યાર્થીઓ એક સમયે જ આવવાનો આગ્રહ રાખે જ તે વ્યાજબી છે. એસ.ટી.ના જવાબદારોએ પ્રથમ તેમના કર્મચારીઓને ઉડાઉ જવાબ અને ગેરવર્તુણક બંધ કરે તે માટે સારા વર્તનના પાઠ ભણાવવા જરૂરી છે.