પાલીતાણાના વડાળ ગામના યુવાનોએ ‘ગામનો ચોરો’ ગૃપ બનાવ્યું, શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

ગૃપ દ્વારા સામાજિક, શૈક્ષણિક વિકાસ માટે વિવિધ મદદ અને સહાય કરવામાં આવે છે, બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે ઇનામ વિતરણ કરાયા

બ્રિજેશ ગોસ્વામી
આજના જમાનામાં સામાન્ય રીતે સોશિયલ મીડિયાના ગૃપ ટોળટપ્પાં કરવાં, સવારે ગુડ મોર્નિંગના મેસેજ મોકલવા અને અન્ય બિનજરૂરી બાબતો માટે મર્યાદિત થઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તેનો ઉમદા દાખલો પાલીતાણા તાલુકાના વડાળ ગામના ‘ગામનો ચોરો’ નામના ગૃપે પૂરો પાડ્યો છે.ગામના યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં ગૃપ બનાવી ગામના સામાજિક, શૈક્ષણિક વિકાસ માટે વિવિધ મદદ અને સહાય કરવામાં આવે છે.

તે અંતર્ગત વડાળ પ્રાથમિક શાળા ખાતે ‘ગામનો ચોરો’ નામના ગ્રૂપ દ્વારા ધો.1 થી 8 ના બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકોને યથાયોગ્ય ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ગૃપ છેલ્લા એક વર્ષથી વડાળ ગામમાં કોઈપણ યુવાનનો જન્મદિન હોય, કોઈના ઘરે દીકરા- દિકરીનો જન્મ થાય, ગામના કોઈપણના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ગામના તમામ લોકો દ્વારા આ ગૃપને અપાયેલા અનુદાનમાંથી તેની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ગામમાં સામાજિક સામિપ્ય, સમરસતા, સૌહાર્દ અને એકતાનું પણ સર્જન થયું છે.

ગામ લોકો તથા દાતા દ્વારા અપાયેલી આ રકમનું ગામના નવ યુવાનો દ્વારા સરસ અને સરળ પારદર્શક વહીવટ કરવામાં આવે છે અને તે દ્વારા ગામના વિકાસમાં સહભાગી બનવામાં આવે છે. સરાહનીય અને પ્રસંશનીય એવાં આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે વડાળ ગામના ‘ગામનો ચોરો’ ગૃપના યુવાનો અને વડાળ પ્રાથમિક શાળાના શિક્ષકગણ સાથે મળી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં પુસ્તક(ફુલ સ્કેપ નોટ) નું દાન હર્ષ શાહ, ટીમ મુંબઈ, મહારાજ તરફથી કપડાં અને બીજા બધાં ઇનામો ‘ગામનો ચોરો’ ગૃપ તરફથી આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ધમોબુદ્ધિ મહારાજ અને નયોબુદ્ધિ મહારાજ તદ્દઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય મુના કામળિયા, તાલુકા પંચાયતના સભ્ય હરેશ કામળિયા, વડાળના સરપંચ વનરાજ કામળિયા, ભડારીયા શાળાના પૂર્વ આચાર્ય ભડારીયા બીજલભાઈ, ભડારીયા આચાર્ય સુરેશ વાઢેર ,ભડારીયા શિક્ષક સર્વ પ્રફુલ વિજયસિંહ મોરી અને વડાળ ગામના વડીલો, યુવાનો સહિતના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.